અમદાવાદ,મુંબઈ : વિશ્વ બજારમાં સોનાના ભાવ વધુ ઉછળી ઔંશના ઉંચામાં ૩૫૦૦ ડોલરને આંબી જતાં નવો ઈતિહાસ સર્જાયો હતો. વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરી બજારોમાં આજે રેકોર્ડ તેજી વેગથી આગળ વધી હતી. અમદાવાદ સોના-ચાંદી બજારમાં આજે સોનાના ભાવ વધુ રૂ.૨૦૦૦ વધી રૂ.૧ લાખની સપાટી કુદાવી ગયા હતા. અમદાવાદ બજારમાં સોનાના ભાવ બે દિવસમાં રૂ.૩૦૦૦ વધ્યાહતા. વિશ્વ બજાર પાછળ અમદાવાદ સોનાના ભાવ ઉછળી ૯૯૫ના રૂ.૧૦૧૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૦૧૫૦૦ના નવા શિખરે પહોંચ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ ઉંચા મથાળેથી કિલોના રૂ.૫૦૦ ઘટીરૂ.૯૬૫૦૦ રહ્યા હતા.
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધી હતી. મુંબઈ બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ જીએસટી વગર રૂ.૯૮ હજારની ઉપર ગયા હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ વધી રૂ.એક લાખ ઉપર બોલાતા થયા હતા. જીએસટી ૩ ટકા લાગુ પડતી હોય છે. જોકે વૈશ્વિક સોનાના ભાવ ઉંચામાં ૩૫૦૦થી ૩૫૦૧ થયા પછી ઘટી નીચામાં ૩૪૧૨ થઈ ૩૪૨૯ થી ૩૪૩૦ ડોલર રહ્યાના સમાચાર હતા. અમેરિકામાં પ્રમુખ ટ્રમ્પ તથા ફેડરલ રિઝર્વ વચ્ચે વિવાદ વધતાં વૈશ્વિક બજારોમાં અજંપો વધતાં સોનામાં ફંડોનું સેફ હેવન બાઈંગ ચાલુ રહ્યું હતું.
વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ૩૩ વાળા ઘટી ૩૨.૨૨ થઈ તથા ઉંચામાં ૩૨.૯૦ થઈ ૩૨.૭૧ થી ૩૨.૭૨ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના વધી રૂ.૯૮૭૦૩ થઈ રૂ.૯૮૦૯૦ રહ્યા હતા. જયારે ૯૯૯ના ભાવ ઉંચામાં રૂ.૯૯૧૦૦ થઈ રૂ.૯૮૪૮૪ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર ઘટી નીચામાં છેલ્લે રૂ.૯૫૬૦૭ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, વૈશ્વિક ક્રૂડતેલના ભાવ આજે બ્રેન્ટના વધી બેરલના ઉંચામાં ૬૭.૩૪ થઈ ૬૭.૦૨ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ઉંચામાં ૯૭૫ થઈ ૯૬૪થી ૯૬૫ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઉંચામાં ૯૫૨ થઈ ૯૪૨ થી ૯૪૩ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૧૪ ટકા ઉંચકાયા હતા. દેશના ઝવેરી બજારોમાં સોનામાં ઉંચા મથાળે નવી માગ ધીમી પડતાં હવે અમુક વર્ગ નફારૂપી સોનું વેંચવા બજારમાં આવતો થયાની ચર્ચા પણ બજારમાં સંભળતી થઈ છે.
પાકિસ્તાનમાં સોનાનો ભાવ રૂ.સવા ત્રણ લાખ
પાકિસ્તાનમાં ત્યાંના રૂપિયાના સંદર્ભમાં સોનાના ભાવ વધી રૂપિયા ૩ લાખ ૨૫ હજાર આસપાસ બોલાયાના સમાચાર હતા. ભારતના ૩૦ પૈસા સામે પાકિસ્તાનનો એક રૂપિયો ગણાય છે જ્યારે પાકિસ્તાનના એક રૂપિયા સામે અમેરિકાના ડોલરના ભાવ ૦.૦૦૩૬ રહ્યા છે.