India-America Army Exercise: ટેરિફ અંગેના વિવાદ વચ્ચે ભારત અને અમેરિકાએ અલાસ્કામાં અત્યાર સુધીનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે. આ ઉપરાંત માલાબાર નૌકાદળના યુદ્ધાભ્યાસનું પણ ટૂંક સમયમાં આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં તમામ ક્વાડ દેશો ભાગ લેશે. અધિકારીઓએ માહિતી આપતા જમાવ્યું કે, ‘બંને દેશો વચ્ચે પહેલીથી 14મી સપ્ટેમ્બર દરમિયાન અલાસ્કામાં યુદ્ધાભ્યાસ યોજાઈ રહ્યો છે.’
વિદેશ મંત્રાલયે માહિતી આપી
ભારતીય વિદેશ મંત્રાલયે સોમવારે એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ લખ્યું, ‘ભારતીય સેનાની એક ટુકડી યુદ્ધાભ્યાસ 2025 (પહેલીથી 14મી સપ્ટેમ્બર)ના 21મા સંસ્કરણ માટે ફોર્ટ વેનરાઈટ, અલાસ્કા પહોંચી ગઈ છે. યુએસ 11મા એરબોર્ન ડિવિઝનના સૈનિકો સાથે, હેલિબોર્ન ઓપરેશન્સ, પર્વતીય યુદ્ધ, UAS/કાઉન્ટર-UAS અને સંયુક્ત વ્યૂહાત્મક કવાયતોમાં તાલીમ લેશે – જેનાથી UN PKO અને મલ્ટી-ડોમેન તૈયારીને પ્રોત્સાહન મળશે.’
ભારત અમેરિકા પાસેથી 25 અબજ ડોલરના હથિયારો ખરીદે છે
છેલ્લા બે દાયકામાં અમેરિકાએ ભારતને 25 અબજ ડોલરથી વધુના સંરક્ષણ ડીલ આપી છે. તાજેતરમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ને યુએસ કંપની જનરલ ઇલેક્ટ્રિક પાસેથી 99 GE-F404 ટર્બોફેન એન્જિનનો પહેલું કન્સાઇનમેન્ટ મળવાનું છે. આ એન્જિન સ્વદેશી તેજસ માર્ક-1A ફાઇટર એરક્રાફ્ટમાં ઇન્સ્ટોલ કરવામાં આવશે. આ ડીલ ઓગસ્ટ 2021માં 716 મિલિયન ડોલરમાં કરવામાં આવી હતી. આ ઉપરાંત ભારત બીજા કરાર હેઠળ 113 વધુ એન્જિન ખરીદવાની તૈયારી કરી રહ્યું છે, જેની કિંમત લગભગ 1 અબજ ડોલર હશે.
આ પણ વાંચો: રશિયાનું સૌથી ઘાતક ફાઈટર જેટ Su-57 ભારતમાં બનશે? પુતિનના પ્લાનથી ટ્રમ્પનું સપનું રોળાયું
ભારતે અમેરિકા પાસેથી 3.8 બિલિયન ડોલરમાં 31 MQ-9B ‘પ્રિડેટર’ ડ્રોનનો પણ ઓર્ડર આપ્યો છે, જે 2029-30ની વચ્ચે આવવાનું શરૂ થશે.
દરિયાઈ મોરચે પણ સહયોગ ચાલુ છે. ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં ગુઆમ કિનારે નવેમ્બરમાં યોજાનારી માલાબાર નૌકાદળ કવાયત માટે તૈયારી કરી રહ્યા છે. માલાબાર યુદ્ધાભ્યાસ 1992માં ભારત અને અમેરિકા વચ્ચે શરૂ થઈ હતી, પરંતુ હવે બધા ક્વાડ દેશો તેમાં સામેલ છે.