Jamnagar : જામનગર જિલ્લામાં છેલ્લા બે દિવસમાં બાળક સહિત ચાર લોકો ગુમ થયા હોવાની ઘટના સામે આવી છે. અચાનક જ એક બાળક, એક મહિલા અને બે પુરુષ ગુમ થવાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાતા પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે. જામનગર શહેરમાંથી એક મહિલા તેના બાળક સાથે ગુમ થઈ છે. તો ખાનગી બેંકનો એક કર્મચારી પણ ગઈકાલથી લાપતા છે. બીજી તરફ જિલ્લામાંથી પણ એક વ્યક્તિ ગુમ થયાની ફરિયાદ નોંધાઈ છે.
જામનગર શહેરમાંથી 3 લોકો ગુમ
જામનગર શહેરમાં ખેતીવાડી ફાર્મ નજીક ઇન્દિરા કોલોની શેરી નંબર પાંચમાં રહેતી મનીષાબેન સુરેશભાઈ ખીમસુરીયા નામની 30 વર્ષની પરિણીતા ગુમ થઈ છે. તે ગઈકાલે પોતાના ઘરેથી પોતાના ચાર વર્ષના પુત્ર ધાર્મિકને લઈને એકાએક ક્યાંક ચાલી ગઈ છે. જેથી પરિવારજનો દ્વારા સગા સંબંધી સહિત અનેક સ્થળોએ તપાસ કરાવી હતી, પરંતુ મનિષાબેનનો કોઈ પત્તો લાગ્યો ન હતો, જેથી પરિવારજનોમાં ચિંતા પ્રસરી છે. મનીષાબેનના પતિ સુરેશભાઈ ખીમસુરીયાએ જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં તેમની પત્ની ગુમ થયાની નોંધ કરાવતાં પોલીસે શોધખોળ હાથ ધરી છે.
ખાનગી બેંકનો કર્મચારી ગુમ
આ ઉપરાંત જામનગર શહેરની તિરુપતિ સોસાયટીની પુષ્પક પાર્ક શેરી નંબર-2 માં રહેતા અને જામનગરની આઈસીઆઈસીઆઈ બેંક નોકરી કરતા નિતેશકુમાર કાંતિલાલ પટેલ પણ ગુમ છે. ગઈકાલે પોતાના ઘરેથી નોકરીએ જવાનું કહીને નીકળ્યા પછી આજ સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો નથી, તેથી આખરે તેમના પરિવારે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે.
જામનગરના જસાપર ગામનો યુવક ગુમ
ગુમ થવાનો ચોથો કિસ્સો જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જસાપર ગામમાં બન્યો છે. ગામમાં જ રહેતો અને મજૂરી કામ કરતો પ્રકાશ અરશીભાઈ સોલંકી પોતાના ઘેરથી બાઈક પર નીકળ્યા બાદ એકાએક લાપતા બન્યો છે, બે દિવસની શોધખોળ પછી પણ તેનો કોઈ પત્તો નહીં સાંપડતાં આખરે કાલાવડ પોલીસ મથકમાં ગુમ થયાની નોંધ કરાવામાં આવી છે.