મુંબઈ : મુંબઇ ઝવેરી બજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી પરંતુ બંધ બજારે સોનાના ભાવ વિશ્વ બજાર પાછળ વધુ ઉંચકાતાં નવો રેકોર્ડ સર્જાયો હતો. વિશ્વ બજારમાં ડોલર ઇન્ડેક્સની પીછેહઠ વચ્ચે વૈશ્વિક સોનામાં ફંડોની લેવાલી જળવાઇ રહી હતી. રશિયાએ યુક્રેન પર ડ્રોન હુમલો કર્યો હોવાનું યુક્રેને જણાવતાં તેની અસર પણ સોનાના ભાવ પર તેજીથી દેખાઇ હતી.
ઇમ્પોર્ટ કોસ્ટ ઉંચકાઇ હતી. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂા. ૭૦૦ ઉછળી ૯૯૫ના રૂા. ૯૨૪૦૦ તથા ૯૯૯ના રૂા. ૯૨૭૦૦ના નવા ઉંચા મથાળે પહોંચ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૦૭૮થી ૩૦૭૯ વાળા વધી ૩૦૮૫થી ૩૦૮૬ ડોલર સપ્તાહના અંતે રહ્યા હતા. જો કે વિશ્વિક ચાંદીના ભાવ ઘટાડા પર રહ્યા હતા.
વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ૩૪.૧૩ ડોલર રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘર આંગણે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂા. ૧૦૦૦ ઘટી રૂા. એક લાખ રહ્યા હતા.
દરમિયાન, મુંબઇ બજારમાં ૨૦૨૪-૨૫ના નાણાં વર્ષ દરમિયાન ચાંદીના ભાવ કિલોના વાર્ષિક ધોરણે રૂા. ૨૫૭૦૦ જેટલા વધ્યા હતા જ્યારે મુંબઇ સોનાના ભાવ નાણાં વર્ષમાં ૧૦ ગ્રામના રૂા. ૨૨૨૦૦ જેટલા વધ્યા હતા. જો કે મુંબઇ બુલીયન બજારમાં આજે ચાંદીના ભાવ જીએસટી વગર રૂા. ૧૦૦૮૯૨ વાળા ઘટી રૂા. ૯૯૮૫૦ બોલાઇ રહ્યા હતા.
મુંબઇ સોનાના ભાવ આજે જીએસટી વગર ૯૯૫ના રૂા. ૮૮૮૦૭ વાળા રૂા. ૮૯૨૦૦ તથા ૯૯૯ના રૂા. ૮૯૧૬૪ વાળા રૂા. ૮૯૫૫૦ રહ્યા હતા. મુંબઇ સોના-વિશ્વ બજારમાં ડોલર ઇન્ડેક્સ ૧૦૪.૪૧ વાળો ઉંચામાં ૧૦૪.૫૦ થયા પછી નીચામાં ૧૦૩.૯૦ થઇ છેલ્લે ૧૦૪.૦૧ આસપાસ રહ્યાના સમાચાર મળ્યા હતા.
જો કે મુંબઇ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂા. ૮૫.૪૭ વાળા વધી રૂા. ૮૫.૫૭થી ૮૫.૫૮ રહ્યા હતા. વૈશ્વિક ડોલર ઇન્ડેક્સ ત્રણ સપ્તાહની ટોચ પરથી નીચો ઉતર્યો હતો. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૯૮૭ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ૯૭૫ ડોલર રહ્યા હતા.
વિશ્વ બજારમાં ક્રુડ તેલના ભાવ નરમ હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૪.૧૦ વાળા નીચામાં ૭૩.૨૨ થઇ છેલ્લે ભાવ ૭૩.૬૩ ડોલર રહ્યા હતાં. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૬૮.૮૭ થઇ છેલ્લે ભાવ ૬૯.૩૬ ડોલર રહ્યા હતા. જો કે અમેરિકામાં ક્રૂડ તેલનો સ્ટોક ૩૩ લાખ બેરલ્સ ઘટયો હોવાનું વૈશ્વિક જાણકારો જણાવી રહ્યા હતા. મુંબઇ કરન્સી બજારમાં નાણા વર્ષમાં ડોલરના ભાવ રૂા. ૮૩.૪૦થી વધી રૂા. ૮૫.૫૦ રહ્યા હતા.