શ્વાન વ્યંધિકરણમાં મહિને ૮ લાખનો ખર્ચ છતાં રખડુ કુતરાનો ત્રાસ યથાવત્
8 માસમાં ૧૧,૨૯૨ લોકોને શ્વાનો કરડયા, ૪૨૨૮ને મનપા તથા બાકીનાને સિવિલમાં ફ્રી ઈન્જેક્શનો અપાયા
રાજકોટ: શેરીમાં રખડુ,કરડતા,પાછળ દોડતા શ્વાનોને પકડીને તે વિસ્તારથી દૂર કરી શકાતા નથી, પ્રતિબંધ છે, કાયદાનું મજબૂત રક્ષણ છે પરંતુ,શ્વાનોથી કરડવાથી નાગરિકો પોતાનું રક્ષણ કરી શકતા નથી.રાજકોટમાં ચિંતાજનક રીતે બે વર્ષમાં શ્વાન કરડવાના કેસોમાં ૩૪ ટકાનો વધારો જોવા મળ્યો છે. પહેલા દૈનિક સરેરાશ ૩૫ નાગરિકોને શ્વાનો કરડવાના બનાવો સરકારી દફ્તરે નોંધાતા જે ચાલુ વર્ષના ૮ માસની સરેરાશ મૂજબ રોજ ૪૭ને શ્વાનો કરડી જાય છે.
મનપા સૂત્રો અનુસાર ગત વર્ષે ૧૨,૭૬૪ ડોગબાઈટના કેસો નોંધાયા હતા. જ્યારે આરોગ્ય વિભાગ અનુસાર ચાલુ વર્ષમાં તા.૧ જાન્યુઆરીથી ૩૧ ઓગષ્ટ સુધીમાં ૧૧૨૯૨ કેસો નોંધાયા છે.અર્થાત્ અગાઉ મહિને ૧૦૦૦ સામે હવે ૧૪૦૦થી વધુ કેસ નોંધાય છે.
આ પૈકી ૪૨૨૮ લોકોને મનપા સંચાલિત ૨૩ આરોગ્ય કેન્દ્રોમાં, ૪૭૦૦ને સિવિલ હોસ્પિટલમાં અને ૨૩૬૪ને પદ્મકુંવરબા હોસ્પિટલમાં હડકવાવિરોધી ઈન્જેક્શન વિનામૂલ્યે અપાયાનું જણાવાયું છે. આ ઉપરાંત જે નાગરિકોએ ખાનગી દવાખાના કે હોસ્પિટલમાં આવા ઈન્જેક્શન લીધા હોય તે વિગત મનપામાં નોંધાતી નથી. ઉલ્લેખનીય છે કે કુતરું કરડવાથી હડકવાનો અસાધ્ય,ભયાનક રોગનું જોખમ હોવાથી કોઈ પણ નાગરિક ઈન્જેક્શન નહીં લઈને ઘરેલું સારવાર કરવાનું જોખમ લેતા નથી.
રાજકોટમાં ચાલુ વર્ષ ૨૦૨૫માં માસવાર કુતરા કરડવાના બનાવો
રાજકોટ: માત્ર સરકારી દવાખાના, હોસ્પિટલમાં ઈન્જેક્શન લીધા હોય તેવા ઈ.૨૦૨૫ના કેસની સંખ્યા.