– ગણેશ મહોત્સવના 7 મા દિવસે
– વિદ્યાનગર, કરમસદ, જીટોડિયા, બાકરોલ, મોગરી વિસ્તારમાંથી શોભાયાત્રા નીકળી
આણંદ : કરમસદ આણંદ મનપામાં ગણેશ મહોત્સવના ૭મા દિવસે ૧૨૦થી વધુ શ્રીજીની મૂર્તિઓનું લોટેશ્વર તળાવમાં વિસર્જન કરાયું હતું.
કરમસદ આણંદ મહાનગરપાલિકાના આણંદ, વિદ્યાનગર, બાકરોલ, મોગરી, જીટોડિયા, ગામડી સહિત આજુબાજુના ગામોમાંથી ૭ દિવસે વિસર્જન કરવામાં આવનારા ગણેશજીની વિસર્જનયાત્રા નીકળી હતી. વિવિધ ગણેશ આયોજક મંડળો દ્વારા બપોરે બે વાગ્યા પછી ઊંટગાડી, ટ્રેક્ટર, ટેમ્પા સહિતના વાહનોમાં શ્રીજીની પ્રતિમાને લઈ ભાઈકાકા સ્ટેચ્યૂએ આવી વિસર્જનયાત્રા યોજી હતી. ડીજેના તાલે અને અબીલ- ગુલાલની છોળો વચ્ચે વિદ્યાનગર રોડ, ટાઉન હોલ, લોટિયા ભાગોળ થઈ વ્યાયામ શાળા પાસે લોટેશ્વર તળાવ યાત્રા પહોંચી હતી. લોટેશ્વર તળાવે ફાયર વિભાગની બે બોટ અને ૧૦ તરવૈયાઓની હાજરીમાં ક્રેનની મદદથી ૧૨૦થી વધુ મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું.
સેવાલિયામાં પ્રતિવર્ષની જેમ 7 મા દિવસે મૂર્તિ વિસર્જન
સેવાલિયા : ગળતેશ્વર તાલુકાના સેવાલિયામાં નવરાત્રી ચોક, રાગણી માતાના મંદિર સહિત વિવિધ સોસાયટીમાં ગણેશજીની સ્થાપના કરાઈ હતી. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ૭મા દિવસે તમામ મૂર્તિઓની વિસર્જનયાત્રા નીકળી હતી. ધંધા- રોજગાર બંધ રાખી નગરજનો શોભાયાત્રામાં જોડાયા હતા. પોલીસ બંદોબસ્ત વચ્ચે સેવાલિયા પાસે આવેલી મહીસાગર નદીમાં મૂર્તિઓ વિસર્જીત કરાઈ હતી.