– કોતરમાં 4 મગર દેખાતા ગ્રામજનોમાં ભય
– કોતરની સંપૂર્ણ સફાઈ કરી મગરોને પકડી અન્ય સ્થળે લઈ જવાય તેવી માંગણી
બાલાસિનોર : બાલાસિનોરના જેઠોલી ગામના કોતરમાં મગરોએ ત્રણ ભૂંડનું મારણ કરતા ભયનો માહોલ સર્જાયો છે. કોટરમાં ૪ જેટલા મગરો હોવાનું ગ્રામજનો કહી રહ્યા છે. ત્યારે મગરોને પકડી અન્ય સ્થળે લઈ જવાની માંગણી કરાઈ છે.
બાલાસિનોર તાલુકાના જેઠોલી ગામમાં પસાર થતી મોટી કોતરની સાફ સફાઈ જેઠોલી ગ્રામ પંચાયતમાં સરપંચ દ્વારા સ્વખર્ચે સાફ સફાઈ કરાવાઇ હતી પરંતુ, કોતર વધુ લાંબી અને પહોળી હોવાથી સંપૂર્ણ સાફ સફાઈ થઈ શકી ન હતી. ત્યારે અઠવાડિયા પહેલા કોતરમાં મગરો દેખાયા હોવાની ચર્ચાઓ વહેતી થઈ હતી. જે બાબતે ગ્રામજનોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે છેલ્લા બે દિવસમાં કોતરમાં ફરતા ત્રણ જેટલા ભૂંડનું મારણ કરતા ગ્રામ લોકો જોઈ જતા ભારે અફારાતફરી મચી હતી. જેઠોલી ગ્રામ પંચાયતના સરપંચ દીપકભાઈ પંચાલે જણાવ્યું હતું કે, અમારા ગામમાં કોતર પસાર થાય છે. જેની સંપૂર્ણ સફાઈ ના થતાં હાલ ચાર જેટલા મગર કોતરમાં આવી પહોંચ્યા છે. ત્રણ ભૂંડનું પણ મારણ કર્યું છે. સમગ્ર બાબતે વન વિભાગને જાણ કરવામાં આવી છે. ત્યારે મગરોને પકડી અન્ય સ્થળે છોડી મૂકવાની માંગણી છે. હાલ ગ્રામજનો ભયના માહોલમાં છે.