Surat Ganesh Utsav : સુરતના બેગમપુરા વિસ્તારમાં એક મંડપમાંથી શ્રીજીની પ્રતિમા ખંડિત થયા બાદ માહોલ ગરમાયો હતો. જોકે, પ્રતિમા ખંડિત થવા પાછળ ચોરી કારણભૂત હોવાનું બહાર આવ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં કોટ વિસ્તારમાંથી સાત જેટલા ગણેશ મંડપમાંથી ચાંદીની પ્રતિમાઓ સહિત અનેક વસ્તુઓની ચોરી થઈ છે. આ ઘટના બાદ ગણેશ આયોજકોમાં ભારે આક્રોશ છે અને ગણેશ આયોજકો એવો આક્ષેપ કરી રહ્યાં છે કે, પોલીસ દ્વારા રાત્રીના 12 વાગ્યે શેરીના ગણેશ મંડપને ફરજિયાત બંધ કરાવી દેવામાં આવી રહ્યા છે તેથી ચોરીની ઘટના વધી રહી છે.
સુરતના બેગમપુરાના એક ગણેશ મંડપમાં શ્રીજીની પ્રતિમા ખંડિત થતાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. પ્રતિમા ખંડિત થતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો આ સાથે મંડપમાં વાસણોની ચોરી થઈ હોવાનું પણ બહાર આવ્યું હતું. આ સાથે બેગમપુરા સાથે કોટ વિસ્તારમાં અન્ય જગ્યાએ પણ ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું.
બે દિવસ પહેલા હાથ ફળીયાના એક ગણેશ મંડપમાંથી વાસણો અને પિત્તળની પ્રતિમાની ચોરી થઈ હતી તે બહાર આવ્યું હતું. આ સાથે ચોપારા શેરીમાં પંચધાતુની પ્રતિમા ચોરાઈ હતી. જ્યારે ચોપારા શેરીમાં ચાંદીની ગણેશજીની પ્રતિમાની ચોરી થઈ હતી. રાણા શેરીમાંથી બે પ્રતિમા, તરભાણું અને આરતીની ચોરી થઈ હતી. આ બધી ચોરી પાછળ પોલીસની કામગીરી નબળી હોવા સાથે પોલીસ રાત્રીના 12 વાગ્યા પછી મંડપ ફરજ્યાત બંધ કરાવે છે તે જવાબદાર હોવાનું ગણેશ આયોજકો માની રહ્યાં છે.
બેગમપુરાની ઘટના બાદ અનેક ગણેશ આયોજકો ભેગા થઈ ગયા હતા અને તંત્ર સામે ભારે નારાજગી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. ગણેશ ભક્તો આક્રોશ પૂર્ણ રીતે કહેતા હતા કે પહેલા જ્યારે મળસ્કે સુધી ગણેશ મંડપમાં વિવિધ કાર્યક્રમો થતા હતા કે આયોજકો ભેગા થઈ ગેમ રમતા હતા અને જાગતા હતા ત્યારે ચોરીના કોઈ બનાવ બનતા ન હતા. પરંતુ હાલ કેટલા દિવસથી પોલીસ ગણેશ મંડપ પર આવે છે અને રાત્રીના 12 વાગ્યા બાદ મંડપ બંધ કરાવડાવી દેવા સાથે યંગસ્ટર્સને પણ મંડપ પર બેસવા દેવામાં આવતા નથી. જેના કારણે મંડપ એકલા અટુલા થઈ જાય છે અને ચોરોને છુટ્ટો દોર મળી રહ્યો છે. હાલ જે ઘટના બની રહી છે તે પોલીસ મંડપ બંધ કરાવી દે છે તેના કારણે બની રહી છે.
સ્થળ પર હાજર ધારાસભ્યએ પોલીસને કામગીરી સઘન બનાવવા તાકીદ કરી
બેગમપુરામાં ગણેશ મંડપમાં ગણેશજીની પ્રતિમા ખંડિત થયા બાદ ગણેશ આયોજકોમાં ભારે રોષ છે તેઓ પોલીસ મંડપ બંધ કરાવી દેતા હોવાથી ચોરી થઈ રહી હોવાનો આક્ષેપ કરી રહ્યાં છે. લોકોનો રોષ જોઈને સ્થળ પર કોર્પોરેટરો, નેતાઓ અને ધારાસભ્ય પહોંચી ગયા હતા. લોકો પાસેથી માહિતી મેળવીને ઉત્તર વિભાગના ધારાસભ્ય કાંતિ બલરે હાજર પોલીસને ગણેશ મંડપને 12 વાગ્યે ફરજ્યાત બંધ કરાવે છે તે નહી કરાવવા માટે સુચના આપી હતી. આ ઉપરાંત પેટ્રોલીંગ વધારીને ચોરી ન થાય તે માટેની કામગીરી કરવા પણ સુચના આપી છે. તેઓએ એવું પણ કહ્યું છે કે આ આનંદ ઉલ્લાસનો તહેવાર છે કોઈને હેરાનગતિ ન થતી હોય તો ગણેશ મંડપની આસપાસ ખાણી પીણીની લારી છે તે પણ ચાલુ રહેવા દેવી જોઈએ તેવું પણ કહ્યું હતું.