NIRF Rankings 2025: અમદાવાદની આઈઆઈએમએ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટ તરીકે ફરી એકવાર બાજી મારી પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નેશનલ ઈન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) 2025માં મેનેજમેન્ટ કેટેગરીમાં અમદાવાદની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM) સળંગ છઠ્ઠા વર્ષે ટોચની ઈન્સ્ટિટ્યુટ રહી છે. આઈઆઈએમ 2020થી સતત ટોચની મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટ રહી છે. આ કેટેગરીમાં આઈઆઈએમ બેંગ્લોર બીજા અને આઈઆઈએમ કોઝિકોડે ત્રીજા સ્થાને રહી છે.
દરવર્ષે NIRF દ્વારા ટોચનું પ્રદર્શન કરનારી યુનિવર્સિટી, કોલેજ અને ઈન્સ્ટિટ્યુટની યાદી જાહેર કરી છે. આ યાદી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા રજૂ કરવામાં આવી હતી.
એકંદરે દેશની ટોચની ઈન્સ્ટિટ્યુટ આઈઆઈટી-મદ્રાસ
આ વર્ષે વિવિધ 17 કેટેગરીમાં ઉત્કૃષ્ટ શિક્ષણ સેવા પ્રદાન કરનારી ઈન્સ્ટિટ્યુટ આઈઆઈટી મદ્રાસ રહી છે. જે દેશની બેસ્ટ એન્જિનિયરિંગ કોલેજ હોવા ઉપરાંત એકંદરે તમામ કેટેગરીની નંબર વન ઈન્સ્ટિટ્યુટ બની છે. ત્યારબાદ આઈઆઈએસસી બેંગ્લોર બીજા ક્રમે અને આઈઆઈટી બોમ્બે ત્રીજા ક્રમે રહી છે. એન્જિનિયરિંગ કેટેગરીમાં આઈઆઈટી મદ્રાસ ઉપરાંત આઈઆઈટી દિલ્હી અને આઈઆઈટી બોમ્બે ટોપ-3 રહી છે.
17 કેટેગરીમાં આપવામાં આવ્યું રેન્કિંગ
NIRF દ્વારા આ વર્ષે 17 કેટેગરીમાં રેન્કિંગ આપવામાં આવ્યું છે. અગાઉ 16 કેટેગરીમાં રેન્કિંગ આપ્યું હતું. આ વર્ષે સસ્ટેનેબિલિટી કેટેગરીનો ઉમેરો કર્યો છે. 2024માં ઓપન યુનિવર્સિટી, સ્કિલ યુનિવર્સિટી, સ્ટેટ પબ્લિક યુનિવર્સિટીની ત્રણ નવી કેટેગરીનો ઉમેરો થયો હતો. આ રેન્કિંગની શરૂઆત 2016માં કરવામાં આવી હતી.
રેન્કિંગના માપદંડોઃ શિક્ષણ, લર્નિંગ, રિસોર્સ, રિસર્ચ એન્ડ પ્રોફેશનલ પ્રેક્ટિસ, ગ્રેજ્યુએશન આઉટકમ્સ, આઉટરીચ, અને ઈન્ક્લુઝિવિટી ઉપરાંત હરીફ સાથેનો દ્રષ્ટિકોણ વગેરે સામેલ છે.
યુનિવર્સિટી કેટેગરીમાં ટોપ-3: IISC, JNU, MAHE, મણિપાલ યુનિવર્સિટી
દેશની ટોચની કોલેજ હિન્દુ કોલેજ
કોલેજ કેટેગરીમાં દેશની ટોચની કોલેજ હિન્દુ કોલેજ રહી છે. મિરાન્ડા હાઉસ બીજા ક્રમે, જ્યારે હંસરાજ કોલેજ ત્રીજા સ્થાને રહી છે. હંસરાજ કોલેજ ગતવર્ષે 12માં ક્રમે હતી. મેડિકલ કેટેગરીમાં એઈમ્સ-દિલ્હી પ્રથમ, પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, ચંદીગઢ બીજા, ક્રિસ્ટન મેડિકલ કોલેજ, વેલ્લોર ત્રીજા ક્રમે છે.