GCMMF New Chairman: ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનને (GCMMF) આજે નવા ચેરમેન અને વાઇસ ચેરમેન મળ્યા છે. દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીની GCMMF ના નવા ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. જ્યારે વાઇસ ચેરમેન તરીકે રાજકોટની ગોપાલ ડેરીના ગોરધન ધામેલિયાની પસંદગી કરવામાં આવી છે. તેઓ આગામી અઢી વર્ષ માટે આ પદ સંભાળશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી થોડા સમય પહેલાં જ મુખ્યમંત્રીને મળ્યા હતા અને ત્યારબાદ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી ડેરીનું નેતૃત્વ સોપવાનો નિર્ણય લીધો છે.
GCMMF ના ચેરમેન અને વાઈસ ચેરમેનના નામ પર મહોર વાગતા એવું લાગી રહ્યું છે કે, ભાજપે ક્યાંક શામળ પટેલ સામેની નારાજગી વ્યક્ત કરી છે. હવે આગામી 6 મહિના, એટલે કે આવતી દિવાળી સુધી જે ચૂંટણીઓ યોજાવવાની છે, તેમાં ફેરફાર થઇ શકે છે. 11 વાગ્યાની આસપાસ ભાજપના સંગઠન મહા મંત્રી રત્નાકરજી અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ ઉપરોક્ત બે નામ ફાઇનલ કરાયા હતા.
નોંધનીય છે કે, આજે એટલે કે 22 જુલાઈએ સવારે 11 વાગે શરૂ થનારી ચૂંટણી 11:30 વાગ્યાની આસપાસ શરૂ થઇ હતી, જેમાં આ બંને નામો જાહેર થયા છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યની વિવિધ સહકારી દૂધ મંડળીઓમાં ચાલી રહેલા વિવાદો વચ્ચે અશોક ચૌધરી ચેરમેન પદનો કાર્યભાર સંભાળશે. તેમના નેતૃત્વ હેઠળ GCMMF કેવી રીતે આગળ વધે છે તે જોવું રસપ્રદ રહેશે.