– લદ્દાખમાં સતત ત્રીજા દિવસે કરફ્યૂ, ઈન્ટરનેટ પર પ્રતિબંધ યથાવત્
– વાંગચૂકને લદાખની બહાર અજ્ઞાત સ્થળે લઈ જવાયા, તેમના પર યુવાનોને હિંસા માટે ઉશ્કેરવા સહિતના આરોપો
નવી દિલ્હી : લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવા સહિતની માગો સાથે પર્યાવરણવીદ સોનમ વાંગચુકના નેતૃત્વમાં ચાલી રહેલું આંદોલન બુધવારે હિંસક બની ગયું હતું. આ ઘટનામાં પોલીસે શુક્રવારે આકરું પગલું લેતાં સોનમ વાંગચુકની ધરપકડ કરી છે. બીજીબાજુ બુધવારે હિંસક બનેલા આંદોલન પછી લેહ, લદ્દાખ અને કારગીલમાં શુક્રવારે પણ કરફ્યૂ યથાવત્ રખાયો છે, ઈન્ટરનેટ સેવા બંધ છે. લદ્દાખમાં ભારે ઉપદ્રવ પછી તણાવપૂર્ણ શાંતિ છે ત્યારે કેન્દ્ર સરકારે હવે આ મુદ્દે ચર્ચા કરવા દિલ્હીથી એક દૂત મોકલ્યો છે.
લદ્દાખમાં રાજ્યના દરજ્જાની માગ અને ૬ઠ્ઠા શિડયુલમાં તેના સમાવેશ સહિતની કેટલીક માગ માટે છેલ્લા ચાર વર્ષથી ચાલતું આંદોલન બુધવારે અચાનક હિંસક બની ગયું હતું અને તેમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતા. આ ઘટનામાં ગુરુવારે પોલીસે કોંગ્રેસ નેતા સહિત ૫૦ લોકોની અટકાયત કરી હતી અને ગૃહ મંત્રાલયે હિંસા માટે સોનમ વાંગચુકને જવાબદાર ઠેરવ્યા હતા. આ ઘટનાના બે દિવસ પછી પોલીસે સોનમ વાંગચુકની ધરપકડ કરી હતી. કયા આરોપો હેઠળ તેમની સામે આ કાર્યવાહી કરાઈ છે તે અંગે સત્તાવાર રીતે કશું જણાવાયું નથી, પરંતુ સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ વાંગચુક સામે અત્યંત આકરા રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (એનએસએ) હેઠળ કાર્યવાહી કરાઈ છે.
લદ્દાખમાં ભારે ઉપદ્રવ પછી તણાવપૂર્ણ શાંતિ છે. જોકે, કેન્દ્ર સરકાર હવે કોઈ જોખમ ઉઠાવવા માગતી નથી. આથી મોદી સરકારે દિલ્હીથી એક દૂત મોકલ્યો છે, જે સંબંધિત પક્ષો સાથે ચર્ચા કરશે અને વિવાદનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરશે. આ સિવાય ઉપરાજ્યપાલ કવિન્દ્ર ગુપ્તાના નેતૃત્વમાં સમીક્ષા બેઠક યોજાશે, જેમાં સુરક્ષા એજન્સીઓના સ્તરે ક્યાં ખામી રહી, જેથી હિંસા ભડકી તેની ચર્ચા કરાશે.
સોનમ વાંગચુક શુક્રવારે બપોરે ૨.૩૦ કલાકે એક પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા, પરંતુ પોલીસે તે પહેલાં જ તેમની ધરપકડ કરી લીધી હતી. ડીજીપી એસડી સિંહ જામવાલના નેતૃત્વમાં લદ્દાખ પોલીસની ટીમે સોનમ વાંગચુકની ધરપકડ કરી હતી. લેહ-લદ્દાખમાં વિરોધ પ્રદર્શન સમયે યુવાનોને હિંસા ફેલાવવાના આરોપ હેઠળ વાંગચુકની ધરપકડ કરાઈ હતી.
આ પછી લેહમાં ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ લંબાવી દેવાયો હતો. લદ્દાખમાં સતત ત્રીજા દિવસે કરફ્યૂ ચાલુ રાખવામાં આવ્યો છે. જોકે, એકંદરે સ્થિતિ શાંત છે. એવામાં સમાચાર છે કે સ્થિતિ સામાન્ય રહેશે તો કરફ્યૂમાં છૂટ આપી શકાય છે.
સરકારનો આરોપ છે કે બુધવારે દેખાવકારો હિંસક બન્યા અને બેકાબૂ થઈ ગયા ત્યારે સોનમ વાંગચુકે કોઈને રોક્યા નહીં અને ધરણાસ્થળથી ઉઠીને ચૂપચાપ જતા રહ્યા હતા. આ સિવાય તેમના કેટલાક નિવેદનોને પણ હિંસાનું કારણ માનવામાં આવે છે.
ધરપકડ પહેલા પણ વાંગચુકનું એક નિવેદન સામે આવ્યું છે.
દરમિયાન સોનમ વાંગચુકનાં પત્ની ગીતાંજલિ આંગ્મોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, કોઈપણ કારણ વિના સોનમ વાંગચુક સાથે ગુનેગારો જેવું વર્તન થઈ રહ્યું છે. હિમાલયન ઈન્સ્ટિટયૂટ ઓફ ઓલ્ટરનેટિવ્સ, લદ્દાખનાં સહ-સ્થાપિકા આંગ્મોએ તેમના પતિ વાંગચુકની ધરપકડની આકરી ટીકા કરી હતી અને સરકાર પર તેમની છબી ખરડવા ખોટી અફવાઓ ફેલાવવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે પોલીસે શુક્રવારે તેમના ઘરમાં તોડફોડ કરી હતી અને વાંગચુકને ખોટી રીતે ‘રાષ્ટ્ર વિરોધી’ દર્શાવાઈ રહ્યા છે. લોકતંત્ર અત્યારે સૌથી ખરાબ સ્વરૂપમાં છે. કોઈપણ ટ્રાયલ, કોઈપણ કારણ વિના એક ગુનેગારની જેમ વાંગચુક સાથે વર્તન કરવામાં આવી રહ્યું છે. દેશના બૌદ્ધિકો અને ઈનોવેટર્સ સાથે આવું વર્તન કરવામાં આવશે તો ભગવાન જ આ દેશને બચાવી શકશે.