Junagadh News: જૂનાગઢના માંગરોળમાં એક અત્યંત કરુણ અને દુ:ખદ ઘટના સામે આવી છે. જેમાં એક જર્જરિત મકાન ધરાશાયી થતાં દાદા અને તેમના પૌત્રનું મોત નિપજ્યું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ દુર્ઘટના માંગરોળના ચા બજાર વિસ્તારમાં બની હતી. એક જર્જરિત અને જૂનું મકાન અચાનક ધસી પડ્યું હતું. તે જ સમયે મૃતક હુશેન કાસમ મોભી (દાદા) તેમના પૌત્ર (ઝેદ ઉ.વ.4) સાથે બાઇક પર ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન મકાનનો કાટમાળ સીધો તેમના પર પડ્યો હતો, જેના કારણે બંને દટાય જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને ઘટનાસ્થળે જ તેમનું કરુણ મોત થયું હતું.
આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કાટમાળ હટાવવાની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે. આવા જર્જરિત મકાનો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી પણ સ્થાનિક લોકો કરી રહ્યા છે.