Waqf Amendment Bill : આવતીકાલે બીજી એપ્રિલે લોકસભામાં વક્ફ સંશોધન બિલ રજૂ કરવામાં આવશે. બિલ પર ચર્ચા માટે 12 કલાકના સમયની માંગ કરવામાં આવી હતી, જોકે છેવટે ચર્ચા માટે 8 કલાકનો સમય નક્કી કરાયો છે. પ્રશ્નકાળ બાદ બિલ પર ચર્ચા શરુ થશે. ચર્ચા બાદ આવતીકાલે જ બિલ પસાર કરવા અંગે પણ નિર્ણય લેવાઈ શકે છે. આ દરમિયાન સંસદમાં હોબાળો થવાની સંભાવના છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ તેના તમામ લોકસભા સાંસદોને 2 એપ્રિલ 2025ના રોજ સંસદમાં હાજર રહેવા માટે વ્હિપ જાહેર કર્યું છે. બીજીતરફ આ બિલ પસાર કરવા માટે લોકસભામાં NDA અને INDIA ગઠબંધનનું સંખ્યાબળ પણ મહત્ત્વનું ભાગ ભજવશે. એટલું જ નહીં અન્ય પક્ષો અને અપક્ષ સાંસદોની પણ મહત્ત્વની ભૂમિકા જોવા મળશે.
કંઈ પાર્ટીઓ વક્ફ બિલના સમર્થનમાં?
લોકસભામાં કુલ 542 સાંસદોમાંથી NDAના 293 સાંસદો છે. આ ઉપરાંત ભાજપ ઘણી વખત અપક્ષ સભ્યોનું સમર્થન મેળવવામાં પણ સફળ થઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપના મોટા સાથી પક્ષો TDP, JDU અને ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)એ બિલની કેટલીક બાબતોથી શરૂઆતમાં વાંધો ઉઠાવ્યો હતો. જોકે સંસદની સંયુક્ત સમિતિએ તેમના કેટલાક સૂચનો અપનાવ્યા બાદ તેઓ બિલનું સમર્થન કરી શકે છે.
એનડીએના કુલ 293 સાંસદો વક્ફ બિલના સમર્થનમાં
આમ એનડીએના કુલ 293 સાંસદો વક્ફ બિલના સમર્થનમાં છે, જ્યારે 272 સાંસદોનું સમર્થન મળ્યા બાદ જ બિલ પસાર થઈ શકે છે. ભાજપની ટીડીપી સહિતના સાથી પક્ષો સમર્થન આપવા માની ગયા છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર પાસે બહુમતીનો આંકડો હોવાનું મનાઈ રહ્યું છે. આમ સાથી પક્ષોનું સમર્થન મળી જશે તો લોકસભામાં બિલ પસાર કરવામાં ભાજપને કોઈપણ મુશ્કેલી નહીં પડે.
ઈન્ડિયા ગઠબંધનમાં કુલ 233 સાંસદો
વિપક્ષની વાત કરીએ તો કોંગ્રેસ પાસે સૌથી વધુ 99 સાંસદો છે, જ્યારે ઈન્ડિયા ગઠબંધનમાં કુલ 233 સાંસદો છે. લોકસભાના કેટલાક એવા સાંસદો છે, જેઓ એનડીએ અને ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષ નથી. આમાં આઝાદ સમાજ પાર્ટીના એડવોકેટ ચંદ્રશેખર અને શિરોમણિ અકાલી દળના હરસિમરત કૌર બાદલ સામેલ છે. આ સિવાય YSRના ચાર અને અપક્ષના સાત સાંસદોએ હજુ સુધી આ બિલના સમર્થન કે વિરોધ અંગે કોઈ નિર્ણય લીધો નથી.
આ પણ વાંચો : ‘કાલે લોકસભામાં તમામ સાંસદ હાજર રહે’, ભાજપે જાહેર કર્યું વ્હિપ, વક્ફ બિલ પર TDPનો મળ્યો સાથ
લોકસભામાં NDAના કુલ સાંસદ
- ભાજપ – 240
- TDP – 16
- JDU – 12
- શિવસેના – 07
- LJP – 05
- RLD – 02
- જનસેના – 02
- JDS – 02
- NCP – 01
- હમ – 01
- AGP – 01
- AJSU – 01
- અપના દાલ – 01
- UPP(L) – 01
- SKM – 01
- કુલ – 293
લોકસભામાં INDIA ગઠબંધનના સાંસદો
- કોંગ્રેસ- 99
- સમાજવાદી પાર્ટી – 37
- તૃણમૂક કોંગ્રેસ – 28
- DMK – 22
- શિવસેના (UBT) – 09
- NCP (SP) – 08
- RJD – 04
- CPM – 04
- AAP – 03
- JMM – 03
- IUML – 03
- CPI – 02
- CPI-ML – 02
- NC – 02
- VCK – 02
- mdmk – 01
- કેરળ- કોંગ્રેસ – 01
- BAP – 01
- RLP – 01
- RSP – 01
- આઝાદ સમાજ પાર્ટી – 01
- અપક્ષ – 02
- કુલ – 238
શા માટે સરકાર વિરોધનો સામનો કરી રહી છે?
કેન્દ્ર સરકારનું કહેવું છે કે, વક્ફ બિલથી વકફ પ્રોપર્ટી સંબંધિત વિવાદોને ઉકેલવાનો અધિકાર મળશે. આનાથી વકફ મિલકતોનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકાશે અને મુસ્લિમ સમુદાયની મહિલાઓને પણ ફાયદો થશે. ભાજપ સાંસદ જગદંબિકા પાલની આગેવાની હેઠળની સંયુક્ત સંસદીય સમિતિ (JPC)એ NDAના સાથી પક્ષો દ્વારા આપવામાં આવેલા 14 સુધારાઓને સામેલ કરીને સંસદમાં તેનો અહેવાલ રજૂ કર્યો હતો. જોકે, જેપીસીએ વિપક્ષ દ્વારા પ્રસ્તાવિત 44 સુધારાને ફગાવી દીધા હતા. આ કારણથી વિપક્ષ આ બિલનો વિરોધ કરી રહ્યા છે અને તેને વિવાદાસ્પદ ગણાવી રહ્યો છે.
આ પણ વાંચો : CM યોગીએ રસ્તા પર નમાજ મુદ્દે મુસ્લિમોને ચેતવણી આપનારા તંત્રનો કર્યો બચાવ, કહ્યું- ‘હિન્દુઓ પાસેથી શીખો’