Jamnagar Vyajkhor : જામનગર શહેરમાં વધુ એક વ્યાજખોરીનો કિસ્સો સામે આવ્યો છે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલની સામે ગાંઠિયાની રેકડી ચલાવતો એક રેકડી ધારક શહેરના અલગ અલગ ચાર વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો છે, અને પોતાની પાસેથી રાક્ષસી વ્યાજ વસુલી લીધા બાદ વધુ વ્યાજ અને મુદ્દલની માંગણી કરી અદાલતમાં ચેક રીટર્ન કરાવવાની ફરિયાદ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં રામેશ્વર નગરમાં રહેતા અને જી.જી. હોસ્પિટલની સામે ગાઠિયાની રેકડી ચલાવતા વિજય જયંતીભાઈ પિત્રોડા નામના 34 વર્ષના યુવાને પોતાની પાસેથી માસિક 10 ટકાથી વધુ રાક્ષસી વ્યાજ વસુલી લીધા પછી વધુ વ્યાજ કઢાવવા માટે ધમકી આપવા અંગે જામનગરમાં રહેતા હરદેવસિંહ જાડેજા, સુભાષભાઈ સોલંકી, મયુરસિંહ જાડેજા અને પૃથ્વીરાજસિંહ જાડેજા નામના ચાર વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે.
જે ફરિયાદના અનુસંધાને પોલીસે ગુજરાત મની લેન્ડર્સ એક્ટ-2011 ની કલમ-5, 39, 40, 42 તથા બી.એન.એસ. કલમ-351(3), 54 મુજબ ગુન્હો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી યુવાનને પોતાના ધંધા માટે પૈસાની જરૂરિયાત હોવાથી આરોપી હરદેવસિંહ જાડેજા પાસેથી રૂ.50,000 સાડા સાત ટકા લેખે વ્યાજે લીધેલાં હોય જેને વ્યાજ પેટે રૂ.96,000 ચુકવી આપ્યા હતા. તેમજ આરોપી સુભાષભાઇ સોલકી પાસેથી રૂ.20,000 છ ટકા લેખે વ્યાજે લીધેલાં હતા, જેના રૂ.10,800 ચુકવી આપ્યા હતા. જ્યારે આરોપી મયુરસિંહ જાડેજા પાસેથી રૂ.20,000 દસ ટકા લેખે વ્યાજે લીધેલાં હતા, જેના રૂ.24,000 ચુકવી આપેલાં છે.
તથા આરોપી પુથ્વીરાજસિંહ જાડેજા પાસેથી 20,000 દસ ટકા લેખે વ્યાજે લીધેલ જેના રૂ.8,000 વ્યાજ ચુકવી આપ્યું છે, તેમ છતા ફરીયાદી પાસે વધુ વ્યાજની માંગણી કરી ફરીયાદીના બેકના કોરા ચેકમાં વઘુ રકમ લખી બેંકમાં ચેક બાઉન્સ કરવાની ઘમકીઓ આપી ઘંધાના સ્થળે આવી હેરાન પરેશાન કરી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ઘમકી અપાતી હોવાથી આખરે મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને ચારેય વ્યાજખોરો સામે ગુનો નોંધાવાયો છે.