Vadodara Visa Fraud : વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા દંપતી અને તેમની પુત્રીને વિદેશ મોકલવાના નામે એક એજન્ટે 26.80 લાખ પડાવી લીધા હોવાનો બનાવ બનતા પોલીસ ફરિયાદ થઈ છે.
ગોરવા ગામમાં રહેતા દિલીપભાઈ પટેલે પોલીસને કહ્યું છે કે, છાણી જકાતનાકામાં અવધપુરી સોસાયટીમાં રહેતા કનુભાઈ બાબુભાઈ પટેલ સાથે મારે પરિચય થયો હતો. તેમણે મને વિઝાનું કામ કરતા હોવાનું કહ્યું હતું.
જેથી મેં મારા પુત્ર, પુત્રવધુ અને પૌત્રીને યુએસ મોકલવા માટે વાત કરતા કનુ પટેલે છ મહિનામાં જ ત્રણેયને વિઝા અપાવી દઈશ તેવી ખાતરી આપી ડોક્યુમેન્ટસ લીધા હતા અને એક વ્યક્તિ દીઠ 9 લાખ નક્કી કર્યા હતા.
ફરિયાદીએ કહ્યું છે કે, મેં કનુભાઈને રૂ.26.80 લાખ ચૂકવ્યા હતા. પરંતુ છ મહિના પછી વિઝા નહીં મળતા વિઝા અપાવવા અથવા તો રૂપિયા પરત આપવા કહ્યું હતું. પરંતુ કનુભાઈએ મને ફાઇલની પ્રોસેસ ચાલુ છે તેમ કહી વાયદા કર્યા હતા અને હજી સુધી મને રૂપિયા પરત આપ્યા નથી.