Jamnagar Police : જામનગર શહેરમાં ગણેશ મહોત્સવના તહેવાર તેમજ ઈદ એ મિલાદના તહેવારને અનુલક્ષીને શહેરના ખાસ કરીને સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં શાંતિ જળવાયેલી રહે, અને બંને તહેવારો શાંતિપૂર્વક ઉજવાય, તેના ભાગરૂપે ગઈકાલે સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનની ટિમ તથા એલસીબીની ટુકડી દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
જામનગર શહેરમાં હાલમાં મુસ્લિમનો પાવન પર્વ ઇદ-એ-મિલાદુન્નબીની મુસ્લિમ બિરાદારો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. અને બીજી તરફ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે. અને તા.05 મી સપ્ટેમ્બરના રોજ ઇદ-એ-મિલાદુન્નબીનું જુલુસ જામનગર શહેરમાં યોજાનાર છે.
દરમિયાન જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની સુચનાથી સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં કાયદો વ્યવસ્થા તેમજ સુરક્ષા સલામતીની જાળવણી સાથે સંપૂર્ણ કોમી ભાઇચારાની ભાવના વચ્ચે બને તેહવાર યોજાય તેને લઇને ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
જેમાં સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ નિકુંજસિંહ ચાવડા, પીએસઆઇ એમ.એન.રાઠોડ, દરબારગઢ પોલીસ ચોકીના પીએસઆઇ વી.આર.ગામેતી તેમજ એલસીબી શાખાના પીએસઆઇ પૃથ્વીરાજસિંહ મોરી સહિત એલસીબીના જવાનો દ્વારા સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી ફૂટ પેટ્રોલિંગનો આરંભ કરી દરબારગઢ વિસ્તાર, પાંચ હાટડી, કાલાવડ નાકા, મોટા પીર ચોક, ઘાંચીની ખડકી, ખોજા નાકા, કિસાન ચોક, ખંભાળિયા ગેટ, હવાઈ ચોક વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરી કાયદો વ્યવસ્થા અને સુરક્ષા સલામતીની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.