જામનગરના ભાવિકે 40 વર્ષની જહેમતે પોતાના ઘરમાં મ્યુઝિયમ બનાવ્યું : વાંજીત્રો વગાડતા કે પછી ક્રિકેટ રમતા, ડોક્ટર કે પ્રોફેસર… 1 ઇંચથી લઇ 3 ફૂટ સુધીના ગણપતિના અલગ-અલગ સ્વરૂપો
જામનગર, : જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા એક ભાવિકજને વર્ષોની મહેનતથી માત્ર ભારતના જ નહીં પણ દેશ-વિદેશના ત્રણ હજારથી પણ વધુ ગણપતિઓનો સંગ્રહ કર્યો છે. જેના માટે તાજેતરમાં જ તેઓનું સન્માન કરવામાં આવ્યું છે.પટેલ કોલોની આનંદબાગ વિસ્તારમાં રહેતા નિવૃત બેંક કર્મચારી દિલીપભાઈ ધ્રુવના ઘરમાં જાણે કે ગણપતિબાપાનું મ્યુઝિયમ હોય તેમ કિચેઇન, બોલપેન, મૂર્તિ, ફોટોફ્રેમ એમ અલગ-અલગ પ્રકારના ૩૩૦૦ ગણપતિઓ છે. હાલમાં ભારત તિબ્બત સંઘ સંસ્થાના હોદેદારો દ્વારા તેઓનું વિશિષ્ટ સન્માન કરાયું હતું. સમય અને આર્થિક ભોગ આપીને એક જ જગ્યા પર ભક્તોને આટલા બધા ગણપતિના દર્શન શક્ય બન્યાં છે. ગણપતિ ઉત્સવ આવતા જ ગણેશભક્તોની ભીડ દર્શન માટે ઉમટી પડે છે.
3300 જેટલા ગણપતિનું કલેકશન
40 વર્ષ પહેલાં દિલીપભાઈએ કલેકશન કરવાની શરૂઆત કરી હતી. જેમાં રીક્ષા ચલાવતા, ટ્રેક્ટર ચલાવતા, સાઇકલ ચલાવતા ગણપતિની મૂર્તિઓ, ક્રિકેટ, ફિલ્ડિંગ, બોલિંગ કરતાં બાપ્પાની મૂર્તિઓ તેમજ ભગવાન શ્રીરામ અને શંકર ભગવાનના સ્વરૂપોવાળા ગણેશની મૂર્તિઓ છે. આ કલેકશનમાં 800 મૂર્તિઓ, 300 કિચેઇન, 200 વુડન ફ્રેમ, 2000 વૈવિધ્યસભર ફોટોગ્રાફ સહિત દેશ-વિદેશના 1ઇંચથી 3 ફૂટ સુધીના 3300 ગણપતિનો સંગ્રહ છે.