પુષ્ટી સંપ્રદાયનાં સ્થાપક શ્રીમદ વલ્લભાચાર્યજીનાં સમયથી આરંભ થયેલી મોટી હવેલી : કૃષ્ણ અને વિષ્ણુનાં પ્રસિધ્ધ મંદિરો અહીંની આગવી ઓળખ સમાન : કૃષ્ણ પ્રણામી ધર્મની આચાર્ય પીઠ સહિતનાં ધર્મસ્થાનોથી દેદીપ્યમાન નવાનગર હરિ- હરનું શહેર છે
જામનગર, : 486 વર્ષ પહેલા જામરાવળે વસાવેલ નવાનગર આજે જામનગર તરીકે ઓળખાય છે, જે તેનાં મંદિરો અને ધર્મપરાયણ જનતાને લીધે છોટીકાશી પણ કહેવાય છે. ગઈકાલે જ વામન જયંતીની ઉજવણી થઈ ત્યારે આ નગરનાં પ્રસિધ્ધ શિવાલયો ઉપરાંત અનેક પ્રાચીન અને પ્રખ્યાત વિષ્ણુ મંદિરો, કૃષ્ણ મંદિરોનો ઈતિહાસ પણ જાણવા જેવો છે.
કૃષ્ણ પ્રણામી ધર્મ તરીકે વિશ્વભરમાં અનુયાયીઓ ધરાવતા પ્રણામી સંપ્રદાયની આચાર્યપીઠ ખીજડામંદિર જામનગરમાં છે. આ સંપ્રદાય શ્રી કૃષ્ણનાં 11 વર્ષ અને 52 દિવસની વયનાં સ્વરૂપને આરાધ્ય માને છે. સંપ્રદાયનાં સ્થાપક દેવચંદજી મહારાજ નામનાં સિદ્ધ પુરૂષ હતા તેમનાં શિષ્ય અને જામનગરનાં લોહાણા સમાજમાં જન્મેલ પ્રાણનાથજીએ સંપ્રદાયનો ખૂબ વિસ્તાર કર્યો. હાલ અહીં કૃષ્ણમણિજી મહારાજ મહંત પદે સેવારત છે. પુષ્ટી સંપ્રદાયનાં સ્થાપક શ્રીમદ વલ્લભાચાર્યજીનાં સમયથી આરંભ થયેલ નગરની શ્રી મોટી હવેલીની ગાદીએ હાલ પૂ. હરિરાયજી મહારાજ બિરાજે છે. અહીં ભગવાનનું મદનમોહન સ્વરૂપ ગદાધરદાસજી વડે પૂજીત છે.
રણજીત રોડ નજીક આવેલ ખવાસ જ્ઞાાતિનું પ્રાચીન શ્રી પુરૂષોત્તમજીનું મંદિર પણ લોકોની આસ્થાનું કેન્દ્ર છે. રાજગોર ફળીમાં આવેલ રાજ્ય પુરોહિત જ્ઞાાતિનું શ્રી રાધાકૃષ્ણ મંદિર પણ એક સૈકાથી વધુ પ્રાચીન છે. ખંભાળીયા ગેઇટ બહાર કિસાન ચોક પાસે આવેલ શ્રી દ્વારકા પુરી મંદિર પણ ખૂબ પ્રાચીન હોવાની માન્યતા છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણ રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશરૂપે બિરાજે છે. અહીં ધ્વજારોહણનું મહાત્મય છે. લીમડાલાઇન વિસ્તારમાં શ્રી આણદાબાવા આશ્રમ સંલગ્ન શ્રી લક્ષ્મીનારાયણનું મંદિર પણ ભવ્ય છે. અહી લક્ષ્મીનારાયણ વિરાટ સ્વરૂપે ભક્તોનાં આરાધ્ય છે.
આ ઉપરાંત પણ નગરમાં કૃષ્ણ મંદિરો – વિષ્ણુ મંદિરો છે તથા વિવિધ જ્ઞાાતિ વિશેષનાં પણ વિષ્ણુ ભગવાનનાં વિવિધ રૂપોને સમપત મંદિરો છે જેમકે વાણંદ જ્ઞાાતિનું લક્ષ્મીનારાયણ મંદિર, ગિરનારા બ્રાહ્મણ જ્ઞાાતિનું રાધા દામોદરજીનું મંદિર, ભાટીયા જ્ઞાાતિનું શ્યામ સુંદરજી મંદિર, વાંઝા જ્ઞાાતિનું મોરલીમનોહર મંદિર વગેરે મંદિરો પણ વિષ્ણુ ભક્તોની આસ્થાનાં સ્થાનકો છે. આમ, છોટીકાશી કહેવાતું જામનગર અનેક પ્રાચીન – પ્રસિદ્ધ વિષ્ણુ મંદિરોને કારણે વિષ્ણુ ઉપાસનાની પણ સદીઓ જૂની પરંપરા ધરાવતુ હોય એમ કહી શકાય કે આ શહેર હરિ- હરનું શહેર છે.