ગાંધીનગરમાં ગઠિયાઓનો તરખાટ યથાવત
નણંદના ઘરે પ્રસંગમાં હાજરી આપીને પરત રાધનપુર જઈ રહી હતી તે દરમિયાન ઘટના બની
ગાંધીનગર : ગાંધીનગરમાં ગઠિયાઓનો તરખાટ વધી રહ્યો છે ત્યારે અડાલજના
ત્રિમંદિર પાસે બસમાં બેસવા જઈ રહેલી મહિલાના પર્સમાંથી ગઠિયાઓ દ્વારા રોકડ અને
મંગળસૂત્ર તેમજ અન્ય ડોક્યુમેન્ટ મળી ૨.૪૮ લાખની મત્તા ચોરી લેવામાં આવી હતી. જે
સંદર્ભે અડાલજ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી હતી.
ગાંધીનગર શહેરની સાથે આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી
રહી છે ત્યારે મુસાફરોના કીમતી માલસામાન ચોરી લેતા ગઠિયાઓ પણ સક્રિય થયા છે ત્યારે
આ વખતે રાધનપુર ખાતે રહેતા મિતલબેન અરવિંદભાઈ ઠક્કર ગઠિયાઓનો ભોગ બન્યા છે. ગત
ત્રણ તારીખના રોજ તેઓ બોપલ ખાતે રહેતા તેમના કુટુંબી નણંદના ઘરે પ્રસંગમાં હાજરી
આપવા માટે આવ્યા હતા અને ત્યારબાદ પુત્ર તેમજ નણંદ સાથે રાધનપુર જવા માટે નીકળ્યા
હતા. વૈષ્ણોદેવીથી તેઓ અડાલજ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં ત્રિમંદિર પાસે પહોંચીને
રાધનપુર જતી બસની રાહ જોઈને ઊભા હતા. આ દરમિયાન બસ આવતા આ ત્રણેય વ્યક્તિઓ બસમાં
બેસવા જઈ રહ્યા હતા. જોકે આ દરમિયાન તેમના પુત્રની નજર માતાના પર્સ ઉપર પડી હતી
અને તેણે પર્સ ખુલ્લું જોયું હતું. જેના પગલે તેમણે પર્સમાં તપાસ કરતા તેમાં રહેલા
૮૦૦૦ રૃપિયા રોકડા અને ૨.૪૦ લાખ રૃપિયાનું મંગળસૂત્ર તેમજ અન્ય ડોક્યુમેન્ટ જણાયા
ન હતા. જેના પગલે તેમણે બૂમાબૂમ કરી હતી અને આ ઘટના સંદર્ભે પોલીસને જાણ કરવામાં
આવતા પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી હતી. જ્યાં અન્ય મુસાફરોની પણ તપાસ કરવામાં આવી
હતી પરંતુ ચોરનો કોઈ જ પતો લાગ્યો ન હતો. જેથી આ સંદર્ભે હાલ અડાલજ પોલીસ દ્વારા
ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા ચોરને શોધવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે.