પાકિસ્તાન એરલાઇન્સની ગંભીર બેદરકારી
શાહઝૈનને ભૂલથી અન્ય વિમાનમાં બેસાડી દેવામાં આવતા તે પાસપોર્ટ-વિઝા વગર સઉદીમાં લેન્ડ થઈ ગયો !
નવી દિલ્હી: પાકિસ્તાન એરલાઇન્સની ગંભીર બેદરકારી સામે આવી છે. લાહોરથી કરાચી જવા માંગતો એક શખ્સ સઉદી અરેબિયા પહોંચી ગયો હતો. શાહઝૈન નામની વ્યકિતએ લાહોર એરપોર્ટથી કરાચી જવાની ટિકિટ લીધી હતી. જો કે તેને કરાચી જતા વિમાનના બદલે ભૂલથી અન્ય વિમાનમાં બેસાડી દેવામાં આવતા તે પાસપોર્ટ અને વિઝા વગર સઉદી અરેબિયા પહોંચી ગયો હતો.
શાહઝૈનને ચાલુ ફલાઇટમાં જ આ અંગેની જાણ થઇ ગઇ હતી. જ્યારે ઘણો સમય પસાર થયા પછી પણ કરાચી ન આવ્યુ તો તેણે કેબિન ક્રૂ મેમ્બરને પૂછ્યું તો તેને જાણ થઇ કે આ વિમાન કરાચી નહીં પણ સઉદી અરેબિયા જઇ રહ્યો છે.
શાહઝૈને સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે લાહોર એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલના દરવાજા પાસે બે વિમાન ઉભા હતાં. વિમાનમાં પ્રવેશ્યા પછી મેં એર હોસ્ટેસને પણ ટિકિટ બતાવી હતી. જો કે તેણે પણ મને જાણ કરી ન હતી કે આ વિમાન કરાચી જવા માટેનું નથી.
જિદ્દાહ પહોંચ્યા પછી જ્યારે શાહઝૈને જણાવ્યું કે તેને કરાચી પરત જવું છે તો તેને જણાવવામાં આવ્યું કે કરાચી જવામાં બે થી ત્રણ દિવસનો સમય લાગશે. શાહઝૈને પાકિસ્તાન એરલાઇન્સ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે. પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટી (પીએએ)એ લાહોર એરપોર્ટના અધિકારીઓ સાથે પૂછપરછ કરી છે. પીએએએ આ ઘટનાને એરલાઇન્સની બેદરકારી દર્શાવી છે. લાહોર એરપોર્ટના વહીવટી તંત્રે પણ તપાસના આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું છે કે જવાબદાર સ્ટાફની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.