– ને.હા.નં.- 48 ઉપર ટોલ પ્લાઝા નજીક
– નાસિકથી શાકભાજી ભરીને અમદાવાદ જતી ટ્રક હાઈવે પર ઉભેલા કન્ટેનર પાછળ ભટકાઈ હતી
નડિયાદ : માતરના રધવાણજ ગામ પાસે નેશનલ હાઈવે નં.-૪૮ પર ટોલ પ્લાઝા નજીક ઉભેલા કન્ટેનર પાછળ આઈસર ટ્રક ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ટ્રક ચાલકનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મૃત્યુ થયું છે. જ્યારે ક્લિનરને નાની-મોટી ઈજાઓ પહોંચતા તેને પણ સારવાર અર્થે દાખલ કરાયો છે.
નેશનલ હાઈવે નં.-૪૮ પર આવેલા માતરના રધવાણજ ગામના ટોલનાકા બુધવારે મોડી રાત્રે મહારાષ્ટ્રના નાસિકથી શાકભાજી ભરીને અમદાવાદ જઈ રહેલી આઈસર ટ્રક પૂરઝડપે પસાર થઈ રહ્યું હતું. આઈસર ટ્રક ચાલક દેવાનંદ કૈલાશ ધનગર (રહે. નિબોલ પોસ્ટ, વિટાવા તા. રાવેર, જી. જલગાંવ, મહારાષ્ટ્ર)ની બેદરકારીને કારણે ટ્રક હાઈવે પર ઉભેલા કન્ટેનરની પાછળ ધડાકાભેર ઘૂસી ગયું હતું. અકસ્માત બાદ કન્ટેનરનો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં આઈસરની કેબિનમાં ફસાઈ જવાને કારણે ચાલક દેવાનંદ ધનધરને ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે ક્લિનર તેના મામાના દીકરા અક્ષય સુભાષ ધનગર (ઉં.વ. ૧૯, રહે. જામનેરપુરા, તા. જામનેર, જી. જલગાંવ, મહારાષ્ટ્ર)ને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. બંનેને તાત્કાલિક સારવાર માટે ખેડા સિવિલ બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં આઈસર ટ્રકના ચાલક દેવાનંદનું ટૂંકી સારવાર પછી મૃત્યુ થયું હતું. માતર પોલીસે આ અંગે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.