Navratri 2025: અમદાવાદમાં સાતમાં નોરતે (28મી સપ્ટેમ્બર) બપોરથી ઉમટી પડેલાં વાદળો રાત્રે 10 સુધી વરસતાં રહેતાં ધોવાઈ ગયું હતો. રવિવારની રજામાં ગરબાના ઉમંગ વચ્ચે સાંજથી રાત સુધીના વરસાદમાં પાણી ભરાતાં સરકારી જીએમડીસીના ગરબા, પાર્ટી પ્લોટો અને ક્લબોના ગરબા ધોવાયાં હતાં. શેરીઓ, સોસાયટીઓ અને પોળોમાં પરંપરાગત ગરબીના સ્થાપન પાસે એકત્ર થઈ લોકોએ માં શક્તિની આરતી અને આરાધના કરી સાતમું નોરતું મનાવ્યું હતું.
આજે પણ વરસાદની સંભાવના
અમદાવાદમાં અંદાજે 200 જેટલા વ્યાવસાયિક આયોજનાના ગરબામાં વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. હવે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે રિંગ રોડ અને એસ.જી. હાઈવે વિસ્તારના વ્યાવસાયિક ગરબાના રિફંડ માટેની ગતિવિધિ શરૂ થશે. શહેરના એ.સી. ડોમમાં ગરબા ગાવા ભીડ ઊમટી હતી. સોમવારે (29મી સપ્ટેમ્બર) પણ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે ત્યારે ગરબા શોખીનો ચિંતિત છે. બે દિવસથી સતત બફારા પછી રવિવાર બપોરથી અમદાવાદમાં વરસાદ શરૂ થયો હતો.
પાર્ટી પ્લોટો અને ક્લબોમાં ગરબા રદ કરાયા
બપોરે બે વાગ્યાના અરસાથી અમદાવાદના પૂર્વ, પશ્ચિમ અને કોટ સહિતના તમામ વિસ્તારોમાં વધતાં-ઓછા પ્રમાણમાં સતત વરસાદી ઝાપટાં પડતાં રહ્યાં હતાં. રાત્રે 10 વાગ્યા સુધી સતત વરસાદી સાંજથી સાતમા નોરતાની રાત ધોવાઈ ગઈ હતી. અમદાવાદમાં બપોરથી શરૂ થયેલી મેઘધારા સાંજ પડતાં અવિરત બની હતી. સતત એકધારા વરસાદથી ખાસ કરીને શહેરના ખુલ્લા પાર્ટી પ્લોટો અને ક્લબોમાં ગરબાના 200 જેટલાં આયોજનો રદ કરવાની ફરજ પડી હતી.
ગરબા રમવાના મેદાનો ઉપરાંત મેદાનના ખુલ્લા સ્થળો આસપાસ અને પાર્કિંગમાં પાણી ભરવાની સમસ્યા થતી જણાતાં ખાનગી ગરબાના આયોજકોએ સોશિયલ મીડિયા ઉપર રવિવારે ગરબા મુલતવી રાખવામાં આવ્યા હોવાના મોટા ભાગના ગરબાના વ્યાવસાયિક આયોજનો એસ.જી. હાઈવે તેમજ અમદાવાદ ફરતેના રિંગ રોડ આસપાસનો ખુલ્લા પ્લોટોમાં કરાયાં છે. મોટાભાગના પ્લોટોમાં પાણી ભરાયા હોવાથી અને વીજ શોર્ટ સરકીટના ભયના કારણે મોટાભાગના આયોજકોએ રવિવારે ગરબા મુલતવી રાખવાની જાહેરાત કરવી પડી હતી. જ્યારે અમદાવાદમાં એસ.પી. રીંગ રોડ વિસ્તારમાં એ.સી. ડોમમાં ચાર સ્થળે ગરબાના આયોજનો થયાં છે. આ ચાર પૈકી જ્યાં પાણી ભરાયાં નહોતાં ત્યાં રાત્રે ગરબા ગાવા માટે લોકો ઉમટ્યાં હતાં.
વસ્ત્રાપુરના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રમાતાં સૌથી મોટા સરકારી ગરબાના મેદાનમાં પણ પાણી ભરાતાં ઉલેચવા માટે ત્વરિત કામગીરી કરવી પડી હતી. જો કે, અતિ કીચડની સ્થિતિ અને રાત્રે પણ વધતા-ઓછા પ્રમાણમાં વરસાદ ચાલુ રહેતાં લોકો જીએમડીસી ગરબામાં આવ્યાં નહોતાં. આ સરકારી ગરબામાં રાજ્યભરમાં સૌથી વધુ એટલે કે દરરોજના 15,000થી વઘુ ગરબા રસિકો એકત્ર થાય છે. જીએમડીસી ગ્રાઉન્ડમાં પાણી ભરાયેલાં હોવાથી સોમવારે ગરબા રમાશે કે કેમ તેનો આધાર વરસાદ ઉપર રહેશે.
વરસાદ બંધ થતા શેરી ગરબા જામ્યા
એક તરફ રવિવારની ગરબાની રાત વરસાદમાં ધોવાઈ હતી પણ આદ્યશક્તિની આરાધનાની પરંપરા અમદાવાદની સોસાયટીઓ, પોળો, શેરી – ગલીઓમાં જોવા મળી હતી. પાર્ટી પ્લોટો, એસી ડોમ તેમજ ગરબાના જાહેર આયોજનોમાં વરસાદ વિક્ષેપ સર્જતાં અમદાવાદના શેરી, મહોલ્લા અને સોસાયટીઓમાં એકત્ર થઈ લોકોએ આદ્યશક્તિની આરાધના કરી હતી. રવિવાર અને સંભવિત સોમવારના વરસાદી વિક્ષેપ બાદ છેલ્લા બે દિવસ, બુધવાર સુધી અમદાવાદમાં નવરાત્રીનો ઉમંગ આભને આંબશે.
અમદાવાદમાં હજુ બે દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં હજુ બે દિવસ હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે. જેમાં આજે બપોરે ચારથી રાત્રે 10 દરમિયાન વરસાદનું વધુ પ્રમાણ રહી શકે છે. આ જ રીતે મંગળવારે મોડી સાંજ બાદ વરસાદ પડે તેવું હવામાન નિષ્ણાતોનું અનુમાન છે.