– રેવન્યૂ વિસ્તારના ડુંગરોમાં શનિવારે રાત્રે આગ લાગી હતી
– ત્રણેય ડુંગરોના વિશાળ ઘેરાવમાં ફેલાયેલી આગ પર કાબુ મેળવવો મુશ્કેલ
પાલિતાણા : પાલિતાણા તાલુકાના હસ્તગીરી, મુંડકીધાર, હાથસણીના રેવન્યુ વિસ્તારોના ડુંગરોમાં ગત શનિવારે સાંજના સમયે લાગેલી આગ આજે સતત ચોથા દિવસે આગ પ્રસરેલી છે. ત્રણેય ડુંગરોના વિશાળા ઘેરાવમાં ફેલાયેલી આગને બુઝવવી મુશ્કેલ બની છે.
પાલીતાણા તાલુકાના હસ્તગીરી, મુંડકીધાર, હાથસણીના ડુંગરોમાં ગત તા.૨૯/૩ને શનિવારે રાત્રે લાગેલી આગ આજે સતત ચોથા દિવસે પણ ડુંગરો પર પ્રસરેલી છે. ડુંગરોની ખીણ વચ્ચેના દુર્ગમ વિસ્તારમાં લાગેલી વિકરાળ આગ વિશાળ ઘેરાવમાં ફેલાયેલી છે પરંતુ ફાયર વિભાગના વાહનો સ્થળ આગના સ્થળ પર પહોંચી શકે તેમ નહી હોવાથી આગ પર કાબુ મેળવવો મુશ્કેલ બની રહ્યો છે. હાલના તબક્કે ફાયર સ્ટાફ દ્વારા આગ આગળ પ્રસરે નહી તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. રેવન્યૂ વિસ્તારના ડુંગરોમાં આગના કારણે અસંખ્ય નાના સૂક્ષ્મ જીવજન્તુઆ તથા વનસ્પતિ બળીને ખાખ થઈ છે. છેલ્લા ૭૨ કલાક કરતા વધારે સમયથી હસ્તગીરી, મુંડકીધાર, હાથસણીના ડુંગર પર પ્રસરેલી આગ વધુ પ્રસરે નહી તે માટે પાલિતાણા ફાયર વિભાગની એક ટીમ ત્યાં સ્ટેન્ડબાય હોવાનું અને આગ કંટ્રોલમાં હોવાનું પાલિતાણા નગરપાલિકાના ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું હતું.