– કહાનવાડીની વિવાદિત જમીનના મામલે ભાજપ બેકફૂટ પર
– ખેડૂત મંડળીના ભાજપના જૂના કાર્યકરોને હાંસિયામાં ધકેલી દઈ કોંગ્રેસને ગિફ્ટ આપી અથવા ગોઠવણનો આક્ષેપ
આણંદ : આંકલાવ તાલુકા એપીએમસીમાં આજે કોંગ્રેસ સમર્થિત ૧૦ સભ્યોની પેનલ બિનહરિફ વિજેતા જાહેર કરાઈ હતી. કોંગ્રેસના બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. ખેડૂત મંડળીના ભાજપના પાયાના કાર્યકરોને હાંસિયામાં ધકેલી જિલ્લા કક્ષાએ જાણ કરી કોંગ્રેસને માર્કેટયાર્ડની સત્તાની ગિફ્ટ આપી છે અથવા ગોઠવણ થઈ હોવાનો કાર્યકરોએ આક્ષેપ કર્યો છે.
કહાનવાડીની ૧૧૪ કરોડની ૨૩૭ વીઘા જમીન પાણીના ભાવે રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળને આપી દેવાના પગલે આંકલાવ એપીએમસીની ચૂંટણીમાં ભાજપમાંથી એક પણ ઉમેદવારે હારના ડરથી ઉમેદવારીપત્ર ભર્યું ન હતું. સામે કોંગ્રેસમાંથી ૧૨ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. ત્યારે મંગળવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કોંગ્રેસના મનુભાઈ પઢિયાર અને જેસંગભાઈ ચૌહાણે ઉમેદવારીપત્ર ચૂંટણી અધિકારી સમક્ષ પરત ખેંચી લીધા હતા. ત્યારે ચૂંટણી અધિકારીએ બાકીના ૧૦ ઉમેદવારોની પેનલને બિનહરિફ વિજેતા જાહેર કરી હતી. છેલ્લા ૨૦ વર્ષથી કોંગ્રેસ આંકલાવ એપીએમસીમાં સત્તા જાળવી રાખવામાં સફળ રહ્યું છે. ત્યારે સમર્થકોએ ફટાકડાં ફોડી ગુલાલની છોળો ઉડાડી ખૂશી મનાવી હતી.
આંકલાવ તાલુકાના સહકારી ક્ષેત્રના ભાજપના કાર્યકરોએ જણાવ્યું હતું કે, એપીએમસીની ચૂંટણીમાં જિલ્લા મંડળ દ્વારા ગંભીરતા લેવામાં આવી ન હતી. આંકલાવ તાલુકાના અગ્રણીઓએ બોરસદ એપીએમસીની જેમ આયોજન કર્યું હોત તો ચાલુ વર્ષે આંકલાવ એપીએમસીમાં ભાજપ સત્તા મેળવી શક્યું હોત. જૂના કાર્યકરોને એક બાજુ ધકેલી દઈને એપીએમસીની કામગીરી અને જિલ્લામાં જાણ કરવામાં આવી હતી.
આંકલાવ એપીએમસીમાં ૨૦૩ મતદારો છે. ત્યારે તાલુકાની ખેડૂત મંડળીમાં અંદાજિત ૮૫થી વધુ મતદારો ભાજપની વિચારધારા ધરાવે છે. ત્યારે જો મતદાન થયું હોત તો ભાજપને બહુમતી માટે માત્ર ૨૦ મતદારો માટે રણનીતિ ઘડવાની જરૂર હતી. પરંતુ, તાલુકાના ભાજપના અગ્રણીઓએ સામે ચાલીને કોંગ્રેસને એપીએમસી ગિફ્ટમાં આપી દીધી હોય કાં તો ગોઠવણ થઈ હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.
ખેડૂતોને સરકારી યોજનાના લાભ મળે તે માટે કામગીરી કરાશે : અમિત ચાવડા
ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, વિજય તમામ જનતા, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને મતદારોનો છે. એપીએમસીમાં કોંગ્રેસ તાલુકાના વિકાસ માટે સતત પ્રયાસ કરી રહી છે. ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા તેમજ શાકભાજી અને ખેતપેદાશોના વધુ ભાવ મળે તે માટે સતત પ્રયત્નશીલ છે. ખેડૂતોને સરકારી યોજનાના લાભ મળે તે માટે પણ કામગીરી કરવામાં આવી રહી છે.
ગત ચૂંટણીમાં પણ ભાજપે ઉમેદવારો ઊભા રાખ્યા હતા
આંકલાવ એપીએમસીનો ભૂતકાળ જોતા છેલ્લી ત્રણ ટર્મથી ભાજપની હાર હોવા છતાં પણ કોંગ્રેસને બિનહરિફ વિજેતા થવાનો મોકો મળ્યો નથી. ભાજપના જુના કાર્યકરો દ્વારા એપીએમસીના ૧૦ ઉમેદવારોની પેનલ તૈયાર કરીને હાર થવા છતાં ચૂંટણી લડવામાં આવતી હતી. ભાજપના સમથત ઉમેદવારો ડર વગર ચૂંટણી લડતા હતા. જે પરિબળ આ ચૂંટણીમાં જોવા મળ્યું ન હતું.
કોંગ્રેસ સમર્થિત 10 બિનહરિફ ઉમેદવારો
૧. ચાવડા અમિતભાઈ અજીતસિંહ (કેશવપુરા)
૨. પઢિયાર વિજયભાઈ રામાભાઈ (ખડોલ)
૩. પઢિયાર ગોપાલભાઈ મણીભાઈ (બામણગામ)
૪. સોલંકી નગીનભાઈ ચંદુભાઈ (મોટીસંખ્યાડ)
૫. મહીડા ધર્મેન્દ્રસિંહ ભગવાનસિંહ (ઉમેટા)
૬. પરમાર દિલીપસિંહ લાલસિંહ (ભેટાસી)
૭. પઢિયાર મનુભાઈ મેલાભાઈ (આસોદર)
૮. પઢિયાર છગનભાઈ બાવસિંહ (બિલપાડ)
૯. પઢિયાર કૌશિકભાઈ રાવજીભાઈ (રામપુરા)
૧૦. ઠાકોર હઠીસંગભાઈ દેસાઈભાઈ (નવાખલ)