– એક સમયે મોદીએ ટ્રમ્પના 4-4 ફોન ઉપાડયા નહતા
– રશિયા પાસેથી તેલ ખરીદવાના મુદ્દે બંને દેશો વચ્ચે જાગેલી તંગદિલી હવે ધીમે ધીમે હળવી થતી જાય છે
નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-અમેરિકા વચ્ચે ચાલી રહેલા વિવાદ છતાં તેઓએ ભારત માટે અને મોદી માટે કરેલા ઉચ્ચારણો કે જેમાં તેઓએ મોદીને તેઓના ‘અંગત મિત્ર’ કહ્યા હતા. તેના વળતા જવાબરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને સામો ફોન કરી સમાન ભાવના દર્શાવી હતી.
રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખતાં ટ્રમ્પે ભારત ઉપર ૨૫ ટકા ટેરિફ ઉપરાંત ૨૫ ટકા ‘દંડાત્મક’ ટેરિફ લગાડતાં બંને દેશો વચ્ચે તંગદિલી વધી ગઈ હતી, તેની વચ્ચે ટ્રમ્પે મોદીને મિત્ર કહેવા સાથે બંને વચ્ચેના અંગત સંબંધો તો યથાવત જ રહેશે તેમ પણ કહ્યું હતું. તે પછી મોદીએ ટ્રમ્પ સાથે ફોન ઉપર વાતચીત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે મોદી અંગે કરેલી ટીકાઓ પછી, તેઓના ૪-૪ ફોન મોદીએ ન ઉપાડતાં ટ્રમ્પ નરમ પડયા. તેમણે બીજા જ દિવસે કહ્યું કે સૌથી ઊંડા અને સૌથી ‘ઘેરાં’ તેવા ચીન સાથે ભારત નજીક જતાં અમેરિકાએ એક સારો મિત્ર ગુમાવ્યો છે.
મોદીએ પછીથી ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે, ‘હું ટ્રમ્પની ભાવનાની પ્રશંસા કરું છું સાથે આપણા સંબંધોનું રચનાત્મક દ્રષ્ટિએ આંકલન પણ કરું છુ.’ આમ છતાં બંને વચ્ચે પ્રવર્તતી તંગદિલી તદ્દન દૂર થતાં સમય લાગશે, પરંતુ એક વાત તરી આવે છે કે હવે તેમાં હળવાશ આવી છે. વિશ્વની બે સૌથી મોટી લોકશાહીઓ ફરી નજીક આવી રહેશે.