North India Weather Updates : પંજાબ અને હરિયાણા સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં શનિવારે પણ ભારે પૂર આવ્યું હતું. સતલજ અને બિયાસ નદીમાં પૂરના કારણે સૌથી વધુ નુકસાન પંજાબમાં થયું છે. પંજાબમાં 40 વર્ષમાં સૌથી ભયાવહ પૂરથી 2000થી વધુ ગામ જળબંબાકાર થઈ ગયા છે અને 3.87 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. બીજીબાજુ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં સતત આભ ફાટવાના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. હિમાચલમાં ચોમાસાની આ સિઝનમાં કુલ 360થી વધુનાં મોત થયા છે જ્યારે 246 લોકોને ઈજા પહોંચી છે. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં શનિવારે ફરી આભ ફાટયું હતું.
પંજાબમાં શનિવારે વરસાદનું પ્રમાણ ઘટયું હતું, પરંતુ તેનો પ્રકોપ યથાવત રહ્યો હતો. પંજાબમાં વરસાદના કારણે 14 જિલ્લામાં 46થી વધુ લોકોનાં મોત થયા છે. અત્યાર સુધીમાં 21929 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે અને 196 રાહત કેમ્પ બનાવાયા છે, જેમાં 7108 લોકોએ આશરો લીધો છે. સતલજ, બિયાસ નદીમાં આવેલા પૂરના કારણે 2000થી વધુ ગામ ડૂબી ગયા છે અને હજારો એકરમાં ઊભો પાક બરબાદ થઈ ગયો છે અને 1.75 લાખ હેક્ટર જમીનને નુકસાન થયું છે. રસ્તા, પુલ અને ઘરોને પણ ભારે નુકસાન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં જ પૂરગ્રસ્ત રાજ્યોનો પ્રવાસ કરી સ્થિતિની સમીક્ષા કરશે તેમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું કે, પંજાબમાં પોંગ ડેમમાં પાણીનું સ્તર આંશિક ઘટયું છે છતાં તે હજુ જોખમી સ્તરથી ચાર ફૂટ ઉપર છે. બીજીબાજુ સતલજ નદી પર બંધાયેલા ભાકરા ડેમમાં પણ પાણીનું સ્તર આંશિક ઘટયું હતું. ઉપરવાસમાં છેલ્લા કેટલાક દિવસોથી મૂશળધાર વરસાદના કારણે પોંગ ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર થઈ ગયા છે. હોશિયારપુર, દસુયા અને મુકેરિઅન સબડિવિઝન્સમાંથી તાજા અહેવાલો મુજબ પૂરગ્રસ્ત ગામોની સંખ્યામાં વધારો થયો છે.
બીજીબાજુ હરિયાણામાં સતત થઈ રહેલા વરસાદ અને નદીઓ અને નાળા ભરાઈ જતાં પૂરનું સંકટ વધ્યું છે. આ સંકટનો સામનો કરવા માટે સૈન્યની મદદ લેવાઈ છે. સૈન્યના 80 જવાનોએ ઝઝ્ઝરના બહાદુરગઢમાં મોરચો સંભાળ્યો છે. ફરિદાબાદમાં યમુના, સિરસામાં ઘગ્ગર, કુરુક્ષેત્રમાં મારકંડા અને અંબાલામાં ટાંગરી નદીમાં પાણી જોખમી સ્તરથી ઉપર વહી રહ્યા છે.
હિમાચલ પ્રદેશાં વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલનના કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયેલા છે. હિમાચલમાં ચોમાસાની આ સિઝનમાં કુલ 360 લોકોના મોત થયા છે અને 426 લોકો ઘાયલ થયા છે. રાજ્યમાં પાણી ભરાવાના કારણે 1087 રસ્તાઓ બંધ થઈ ગયા છે. રાજ્યમાં વરસાદના કારણે 1440 પશુઓનાં મોત થયા છે જ્યારે કુલ આર્થિક નુકસાન 3979.52 કરોડથી વધુ થયાનો અંદાજ છે.
હિમાચલ પ્રદેશમાં મણિમહેશ યાત્રા દરમિયાન ફસાયેલા શ્રદ્ધાળુઓને બચાવવા વિશેષ અભિયાન ચલાવાયું હતું. આ અભિયાનના અંતિમ દિવસે સૈન્યએ એમઆઈ-17 હેલિકોપ્ટરની મદદથી 64 શ્રદ્ધાળુઓને સલામત સ્થળે ખસેડયા હતા. આ અભિયાન હેઠળ બધા જ શ્રદ્ધાળુઓને સલામત સ્થળે ખસેડાયા છે.
યમુનાનગરમાં હથિનીકુંડ બેરેજ પર 106 કલાક પછી જળસ્તર જોખમી સ્તરથી નીચે આવ્યું છે. અહીં જળસ્તર એક લાખ ક્યુસેકથી ઓછું થવા પર બેરેજના ફ્લડ ગેટ ખોલવામાં આવ્યા છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારો હિસાર-ચંડીગઢ નેશનલ હાઈવે-૫૨, કોટપૂતલી-બઠિંડા નેશનલ હાઈવે 148 બી અને દિલ્હી-હિસાર નેશનલ હાઈવે પર બે ફૂટ પાણી ભરાયા છે. આ પૂરના કારણે દિલ્હીમાં 70 થી વધુ પરિવારોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. દિલ્હીમાં હાલ પૂરના પાણી ઓસર્યા છે, પરંતુ સ્થિતિ હજુ પણ ખરાબ છે.
રાજસ્થાનમાં હવાના દબાણના કારણે આગામી 24 કલાકમાં સિરોહી, બાલોતરા, બાડમેર અને જાલૌર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાઈ છે. આ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.