– કોન્ટ્રાક્ટરે બુદ્ધિનું પ્રદર્શન કર્યું
– કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે 5 ગામ, 6 થી વધુ સોસાયટી અને નજીકમાં આવેલી શાળાના વિદ્યાર્થીને અવર-જવરમાં હાલાકી
હળવદ : હળવદ-રાણેકપર રોડના નિર્માણ કામમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીથી સ્થાનિક લોકો, વાહનચાલકો અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ડાયવર્ઝનની વ્યવસ્થા વિના આખો રોડ ખોદી નાખવામાં આવતાં અનેક વાહનો ખાડામાં ખાબક્યા છે. પાંચ ગામના લોકો અને છથી વધુ સોસાયટીના રહેવાસીઓનેે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. કોન્ટ્રાક્ટરની આ બેજવાબદારીભરી કામગીરીથી લોકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિકો યોગ્ય આયોજન અને વૈકલ્પિક માર્ગની માંગ કરી રહ્યા છે.
હળવદ-રાણેકપર રોડનું નિર્માણ કામ કરનાર મોરબીની ‘સ્થાપત્ય કન્સ્ટ્રકશન અને બિલ્ડીંગ ડેવલોપર્સ’ના કોન્ટ્રાક્ટરએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. છેલ્લા કેટલાક દિવસથી આ રોડ ડાયવર્ઝન આપ્યા વગર બંને બાજુથી ખોદીને મૂકી દેતા રાણેકપર ગોલાસણ, મેરુપર સહિતાના પાંચ ગામ અને મહષ ટાઉન શીપ, ૧,૨. આનંદ બંગ્લોઝ, સાનિધ્ય બંગલો સહિત છથી વધુ સોસાયટીના લોકોને આવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ સોસાયટીના લોકોને પોતાની ફોરવીલ બહાર કાઢવું હોય તો પણ સોસાયટીની બહાર નીકળે તેમ નથી. તેમાંય વરસાદ ખાબકતા ખોદેલા રોડ પર પાણી ભરાતા કાદવ કિચડ તેમજ કાકરના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે એટલું જ નહીં કેટલાક મોટરસાયકલ સવારો પટકાયાં છે તેમજ ઘણા વાહનોના સાયલેન્સરમાં પાણી ભરાતા બંધ પડી ગયા હતા. આ રોડની નજીક સ્કૂલ આવેલી છે જેના વિદ્યાર્થીઓને પણ આવા જવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે.
હળવદ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ઘનશ્યામભાઈ દવે સહિતના ૪૦થી વધુ સોસાયટીના રહીશોએ એકઠા થઈને કોન્ટ્રાક્ટરને આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી અને અકસ્માત સર્જાશે તો તેની તમામ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે તેમ પણ જણાવ્યું હતું. જ્યારે ચંદુભાઈ મોરીએ તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.