– અકસ્માત બાદ ડીઝલનું ટેંકર પલટી ગયું હતું
– ડીઝલની દુર્ગંધ ફેલાતા લોકોએ ડબ્બો, બાલટી જે હાથમાં આવ્યું તે લઇને લૂંટ ચલાવી, વીડિયો વાયરલ
ગોંડા : ઉત્તર પ્રદેશના ગોંડામાં મફતમાં ડીઝલ લેવા માટે પડાપડી થઇ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. નેપાળનું એક ટેંકર ગોંડા ડીઝલ ડેપોથી લગભગ સાડા બાર હજાર લીટર ડીઝલ લઇને નેપાળ તરફ રવાના થયું હતું. જોકે વચ્ચે અકસ્માત થતા ટેંકર પલટી ગયું હતું.
આ ટેંકર ગોંડા-બહરાઇચ માર્ગ પર પલટી ગયું હતું, બાદમાં ડીઝલ નજીકના ખાડામાં વહેવા લાગ્યું હતું, કેટલુક ડીઝલ પાણીમાં ભેળવાઇ ગયું હતું. થોડા જ સમયમાં ડીઝલની દુર્ગંધ સમગ્ર વિસ્તારમાં ફેલાઇ ગઇ હતી. જેને પગલે લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા અને ડબ્બો, બાલટી, જુના ડ્રમ જે પણ હાથમાં આવ્યું તે લઇને દોડયા હતા અને તેમાં ડીઝલ ભરવા લાગ્યા હતા.
૧૦ કે ૧૫ નહીં પણ આશરે ૭૦થી ૮૦ લોકો ડીઝલ ભરતા જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં કેટલાક લોકો ડીઝલની લૂંટ ચલાવનારાઓની ટિકા કરતા જોવા મળ્યા હતા, બાદમાં ઘટના સ્થળે સ્થાનિક પોલીસની ટીમ પહોંચી હતી અને ક્રેનની મદદથી ટેંકરને સીધુ કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો સાથે કેટલાકે આ ઘટનાને ગરીબી સાથે તો કેટલાકે લૂંટ સાથે જોડી હતી. પળમાં જ ૧૨ હજાર લિટર ડીઝલ વેડફાઇ જતા ભારે નુકસાન થયું હતું. ‘