– શહેરમાં છેલ્લા એક માસમાં 1,084 લોકોને રખડતા શ્વાન કરડયા
– શહેરના કાળાનાળા, સુભાષનગર, ખેડૂતવાસ સહિતના વિસ્તારમાં શ્વાનનો ત્રાસ યથાવત, મહાપાલિકાએ કડક પગલા લેવા જરૂરી
ભાવનગર : ભાવનગર શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ વધ્યો છે અને દરરોજ ઘણા લોકોને કરડે છે ત્યારે લોકોમાં ફફડાટ ફેલાયો છે. રખડતા શ્વાનના પ્રશ્ને મહાપાલિકાએ તત્કાલ યોગ્ય પગલા લેવા જરૂરી છે.
શહેરના કાળાનાળા, સુભાષનગર, ખેડૂતવાસ, હાદાનગર, સરદારનગર સહિતના વિસ્તારમાં રખડતા શ્વાનનો ત્રાસ જોવા મળી રહ્યો છે તેથી લોકોમાં દોડધામ મચી જવા પામી છે પરંતુ મહાપાલિકા દ્વારા કડક પગલા લેવામાં આવતા નથી. શહેરમાં ગત ઓગષ્ટ માસમાં કુલ ૧૦૮૪ લોકોને રખડતા શ્વાન કરડયા હતા, જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને લોકોએ તંત્ર સામે નારાજગી વ્યકત કરી હતી. કુતરા કરડયા હતા તે તમામ લોકો સારવાર માટે મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રો ખાતે આવ્યા હતા અને તેઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી હતી તેમ મનપાના આરોગ્ય વિભાગના સુત્રોએ માહિતી આપતા જણાવેલ છે.
શહેરમાં દરરોજ આશરે ૩૬ થી વધુ લોકોને શ્વાન કરડી રહ્યા છે તેવુ એક માસના આંકડા પરથી જણાય રહ્યુ છે પરંતુ મહાપાલિકા દ્વારા રખડતા શ્વાનના મામલે કડક કાર્યવાહી કરાતી નથી અને આંખ આડા કાન કરવામાં આવતા હોવાનુ જણાય રહ્યુ છે.
ગત જુલાઈ માસમાં 1,360 લોકોને શ્વાન કરડયા
ભાવનગર શહેરમાં જુદા જુદા વિસ્તારમાં ગત જુલાઈ માસમાં ૧૩૬૦ લોકોને કુતરા કરડયા હતા, જેમાં બાળકો, યુવાનો, મહિલા, વૃધ્ધ વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ લોકોને જરૂરી સારવાર આપવામાં આવી છે તેમ મહાપાલિકાના આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવેલ છે.
રસીકરણ અને ખસીકરણ કરીને મનપા શ્વાનને છોડી મુકે છે
ભાવનગર મહાપાલિકા દ્વારા રખડતા શ્વાનને પકડીને રસીકરણ અને ખસીકરણની કામગીરી કરવામાં આવે છે પરંતુ આ કામગીરી પૂર્ણ થયા બાદ ચાર-પાંચ દિવસમાં શ્વાનને છોડી મુકવામાં આવે છે, જેના કારણે શહેરમાં શ્વાનનો ત્રાસ યથાવત છે.