– મહીસાગર નદીના કિનારે શેડની પણ વ્યવસ્થા નથી
– પૂરની સ્થિતિમાં લોકોને મુશ્કેલી : વરસાદમાં લાકડાં નહીં સળગવાની સમસ્યા : અધ્યતન સ્મશાનગૃહ બનાવવા માંગ
ઠાસરા : ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ગળતેશ્વર મહાદેવ ખાતેથી પસાર થતી મહીસાગર નદીના કિનારે અંતિમ વિધિ માટે સ્મશાનની સગવડ ના હોવાથી ૫૦થી વધુ ગામો અગવડ ભોગવવા મજબૂર બન્યા છે.
ગળતેશ્વર મહાદેવ પાસે મહીસાગર નદીના કિનારે ગળતેશ્વર તાલુકાના ૧૫ અને ઠાસરા તાલુકા અને પાલિકાના ૨૫થી વધુ તેમજ આસપાસના મળીને ૫૦ જેટલા ગામોના હિન્દુ સમાજના કુટુંબોમાં મૃત્યુમાં અંતિમ સંસ્કાર માટે લાવતા હોય છે. ત્યારે પથ્થરો ઉપર લાકડાં મૂકીને અગ્નિદાહ ખૂલ્લામાં આપવો પડે છે. ઉનાળામાં ધોમધખતા તાપમાં આ વિધિ કરવી પડે છે.
ત્યારે ચોમાસામાં ભારે વરસાદ હોય નદીમાં પૂર આવે ત્યારે ભારે મુશ્કેલી પડે છે. ઘણીવાર અગ્નિદાહ વખતે વરસાદ પડતા લાકડાં નહીં પ્રગડતા ડીઝલ કે ટાયરનો ઉપયોગ કરી વિધિ સંપન્ન કરવી પડે છે. મહી નદીના કિનારે કોઈ શેડ નહીં હોવાથી ડાઘૂઓ સહિત લોકો હાલાકી ભોગવી રહ્યા છે.
હાલ પૂર જેવી સ્થિતિ અને વરસાદમાં અંતિમવિધિ કરતા લોકો જોવા મળ્યા હતા. ત્યારે યાત્રાધામ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોય છે ત્યારે ગળતેશ્વર મહાદેવ મંદિર પાસે નદીના કિનારે આધૂનિક સ્મશાનગૃહ બનાવવા માંગણી ઉઠી છે.