Ambaji Temple Timings: ભાદરવી પૂનમના મહામેળાની સફળ પૂર્ણાહુતિ બાદ, શક્તિપીઠ અંબાજી મંદિરમાં પરંપરાગત રીતે પ્રક્ષાલન વિધિનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ભાદરવા વદ ત્રીજ, એટલે કે 10 સપ્ટેમ્બર 2025ના રોજ આ વિધિ યોજાશે. જે અંતર્ગત મંદિર ગર્ભગૃહ અને માતાજીના આભૂષણોની સફાઈ કરવામાં આવશે. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે.
પ્રક્ષાલન વિધિ
પ્રક્ષાલન વિધિ 10 સપ્ટેમ્બર બુધવારના રોજ બપોરે 1 વાગ્યે શરૂ થશે. આવતીકાલે પ્રક્ષાલન વિધિ હોઈ માતાજીના મંદિર અને સોનાચાંદીના વાસણોને અમદાવાદના સોની પરિવારના માણસો દ્વારા ધોવા આવવાની પરંપરા ચાલી આવે છે. આ ઉપરાંત વર્ષમાં એક જ વાર જેની પૂજા થાય છે તેવા વિસાયંત્રને ભટ્ટજી મહારાજના હસ્તે બહાર કાઢવામાં આવે છે. જેને કોટેશ્વરમાંથી વહેતી નદીના શુધ્ધ જળ વડે ધોવામાં આવે છે. ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ કરી તેને પુનઃ ગર્ભગૃહમાં સ્થાપન કરવામાં આવે છે.
જ્યારે મંદિર ધોવાની પ્રક્રિયા ચાલુ થાય તે અગાઉથી મંદિરને બંધ કરવામાં આવે છે. જેથી સોની પરિવાર અને વિદ્વાન બ્રાહ્મણો સિવાય માતાજીના અંદરના પરિસરમાં કોઈને પણ પ્રવેશ આપવામાં આવતો નથી. જેથી બીજા માણસો ન આવવાના કારણે મંદિરની ગુપ્તતા અને પવિત્રતા જળવાઈ રહે તે અનો મુખ્ય હેતુ હોય છે.
દર્શનાર્થીઓ માટે સમયમાં ફેરફાર
પ્રક્ષાલન વિધિને કારણે 10 સપ્ટેમ્બર, 2025ના રોજ મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ દિવસે દર્શનનો નવો સમય નીચે મુજબ રહેશે:
સવારની આરતી: સવારે 7:30 થી 8:00 વાગ્યા સુધી
સવારના દર્શન: સવારે 8:00 થી 11:30 વાગ્યા સુધી
રાજભોગ: બપોરે 12:00 વાગ્યે
બપોરના દર્શન: બપોરે 12:00 થી 1:00 વાગ્યા સુધી
સાંજની આરતી: રાત્રે આશરે 9:00 વાગ્યે
અંબાજી મંદિરની મુલાકાતે આવનાર ભક્તો આ ફેરફારને ધ્યાનમાં રાખીને દર્શન માટે આવે. 11 સપ્ટેમ્બર, 2025થી મંદિરનો દર્શન અને આરતીનો સમય રાબેતા મુજબ રહેશે.