What is Waqf Amendment Bill: તમામ વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે વક્ફ બોર્ડ સંશોધન બિલ લોકસભામાં રજૂ કરવાનો નિર્ણય લીધો છે. આ બિલ 2 એપ્રિલના રોજ એટલે કે આજે રજૂ કરવામાં આવશે. સંસદીય બાબતો અને લઘુમતી કલ્યાણ મંત્રી કિરેન રિજિજુએ 8 ઑગસ્ટ, 2024ના રોજ લોકસભામાં આ બિલ રજૂ કર્યું હતું, જેને વિપક્ષના હોબાળા બાદ સંયુક્ત સંસદીય સમિતિ(JPC)ને મોકલવામાં આવ્યું હતું.
સંસદીય સમિતિમાં કુલ 44 સુધારા રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી લગભગ 14 સુધારાને જગદંબિકા પાલની આગેવાની હેઠળની JPC દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા. સંશોધિત બિલને કેબિનેટ દ્વારા પહેલા જ મંજૂરી આપવામાં આવી છે. હવે આ બિલ આજે રજૂ થવા જઈ રહ્યું છે, તો તે પહેલા વક્ફ સાથે જોડાયેલી મહત્ત્વપૂર્ણ બાબતો જાણી લઈએ.
વક્ફ શું છે?
વક્ફ એ અરબી ભાષામાંથી ‘વકુફા’ શબ્દ પરથી આવ્યો છે. વકુફાનો અર્થ થાય છે રોકવું. તેના પરથી બન્યો ‘વક્ફ’ એટલે કે ‘સાચવવું’. જો આપણે તેને કાયદાકીય દૃષ્ટિએ જોઈએ તો, વક્ફ એટલે ‘ઇસ્લામમાં, જ્યારે કોઈ વ્યક્તિ ધાર્મિક કારણોસર પોતાની મિલકત દાન કરે છે, તો તેને વક્ફ એટલે કે સંપત્તિનું એન્ડોમેન્ટ કહેવામાં આવે છે.’ પછી તે થોડા રૂપિયા હોય, મિલકત હોય, કિંમતી ધાતુ હોય કે ઘર, મકાન કે જમીન.
આ દાનમાં આપેલી મિલકતને ‘અલ્લાહની મિલકત’ કહેવાય છે અને જે વ્યક્તિ પોતાની મિલકત વક્ફને આપે છે તેને ‘વકીફા’ કહેવાય છે. વકીફા અથવા વક્ફ દ્વારા દાનમાં આપવામાં આવેલી આ મિલકતો વેચી શકાતી નથી અને તેનો ધર્મ સિવાયના અન્ય હેતુ માટે ઉપયોગ કરી શકાતો નથી.
રાજ્ય સ્તરે રચાયેલ વક્ફ બોર્ડ રાખે છે વક્ફ મિલકતોની સંભાળ
વક્ફ મિલકતોના વહીવટ માટે વક્ફ બોર્ડ છે. આ સ્થાનિક અને રાજ્ય સ્તરે બનાવવામાં આવે છે. ઉત્તર પ્રદેશ, બિહાર જેવા રાજ્યોમાં પણ અલગ-અલગ શિયા અને સુન્ની વક્ફ બોર્ડ છે. રાજ્ય સ્તરે રચાયેલ વક્ફ બોર્ડ આ વક્ફ મિલકતોની સંભાળ રાખવી, તેની જાળવણી કરવી, તેમાંથી થતી આવકની સંભાળ રાખવી વગેરે જેવું કામ કરે છે.
કેન્દ્રીય સ્તરે, સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ રાજ્યોના વક્ફ બોર્ડને માર્ગદર્શિકા આપવાનું કામ કરે છે. દેશભરમાં બનેલા કબ્રસ્તાનો વક્ફ જમીનનો ભાગ છે. દેશભરમાં લગભગ 30 વક્ફ બોર્ડ છે, જે રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં વક્ફ મિલકતોનું સંચાલન કરે છે.
ભારતમાં વક્ફની પરંપરા ક્યારે શરુ થઈ?
ભારતમાં વક્ફની શરુઆત ઇસ્લામના આગમન સાથે થઈ હોવાનું કહેવાય છે. તેનો ઇતિહાસ 12મી સદીમાં દિલ્હી સલ્તનતના સમય સાથે જોડાયેલો છે અને ભારતમાં આઝાદી પછી 1954માં પહેલીવાર વક્ફ ઍક્ટ બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ વર્ષ 1995માં આ ઍક્ટમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નવો વક્ફ કાયદો બનાવવામાં આવ્યો અને વર્ષ 2013માં પણ તેમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા.
આ પણ વાંચો: વક્ફ બિલ અંગે મોદી સરકારને જેડીયુએ ખુલ્લેઆમ સમર્થન જાહેર કર્યું, હવે વિપક્ષ માટે કપરાં ચઢાણ!
વર્ષ 2013 પછી, 8 ઑગસ્ટ, 2024ના રોજ, વક્ફ કાયદામાં સુધારો કરીને એક નવું વક્ફ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું, જેની સામે દેશભરમાં ભારે વિરોધ થયો હતો. વિરોધ પછી, બિલનો ડ્રાફ્ટ તૈયાર કરીને સંસદના જેપીસીને મોકલવામાં આવ્યો હતો, જેની ચર્ચા કરવામાં આવી હતી અને 27 જાન્યુઆરી 2025ના રોજ, જેપીસીએ બિલના ડ્રાફ્ટને મંજૂરી આપી અને 14 સૂચવેલા સુધારાઓને સ્વીકાર્યા હતા.
આ પછી, JPC રિપોર્ટ 13 ફેબ્રુઆરી, 2025ના રોજ સંસદમાં રજૂ કરવામાં આવ્યો. 19 ફેબ્રુઆરી 2025ના રોજ કેબિનેટની બેઠકમાં સંશોધિત વક્ફ બિલને મંજૂરી આપવામાં આવી હતી અને હવે આજે એટલે કે 2 ફેબ્રુઆરીએ, આ બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે, જેના પર 8 કલાક સુધી ચર્ચા થશે અને પછી તેના પર મતદાન થશે.
જાણો વક્ફ બોર્ડ કેટલી મિલકત ધરાવે છે
ભારતમાં, દરેક રાજ્યમાં સ્થાનિક સ્તરે વક્ફ બોર્ડ છે, જે વક્ફ મિલકતોનું સંચાલન કરે છે. વક્ફ બોર્ડ પાસે આશરે 9.4 લાખ એકર જમીન અને 8.7 લાખ મિલકતો છે. આ મિલકતોની કુલ કિંમત રૂ.1.2 લાખ કરોડ હોવાનો અંદાજ છે, જે તેને ભારતના સૌથી મોટા જમીનમાલિકોમાંની એક બનાવે છે. વક્ફ બોર્ડ દ્વારા સંચાલકીય ભૂલો અને કાયદાકીય વિવાદોને કારણે ઘણી વક્ફ મિલકતો કોર્ટમાં પણ ગઈ છે.
સરકાર દ્વારા રજૂ કરાયેલ વક્ફ સુધારા બિલ શું છે?
છેલ્લા ઘણા સમયથી વક્ફ સુધારા બિલ ચર્ચામાં છે. સરકાર વક્ફ બોર્ડમાં સંશોધન સંબંધિત બિલ સંસદમાં રજૂ કરી શકે છે. કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ 8 ઑગસ્ટના રોજ લોકસભામાં વક્ફ (સુધારા) બિલ, 2024 અને મુસ્લિમ વક્ફ (સુધારા) બિલ, 2024 રજૂ કર્યા હતા. જો કે, તે પછીથી જેપીસીને મોકલવામાં આવ્યું હતું.
આ બિલમાં કેન્દ્ર અને રાજ્ય વક્ફ બોર્ડમાં મુસ્લિમ મહિલાઓને પ્રતિનિધિત્વ આપવાની વાત પણ છે. તેમજ કોઈપણ ધર્મના લોકો તેની સમિતિના સભ્ય બની શકે છે. આ કાયદામાં છેલ્લે વર્ષ 2013 માં સુધારો કરવામાં આવ્યો હતો.
શા માટે સરકાર વક્ફ કાયદામાં સુધારો કરી રહી છે?
વક્ફ એક્ટ 1995 માં પ્રસ્તાવિત સુધારાનો હેતુ વક્ફ બોર્ડની કામગીરીમાં ટ્રાન્સપરન્સી લાવવાનો અને તેના સંચાલનને વધુ અસરકારક બનાવવાનો છે. હાલમાં વક્ફ બોર્ડના મોટાભાગના સભ્યો ચૂંટણી દ્વારા ચૂંટાય છે, પરંતુ નવા બિલ હેઠળ આ બોર્ડના સભ્યો સરકારી નોમિની હશે. આ ઉપરાંત, વક્ફ મિલકતોની નોંધણી અને યોગ્ય રીતે વેલ્યુએશન કરવું ફરજિયાત રહેશે, જેથી મિલકતોનું યોગ્ય રીતે સંચાલન થઈ શકે.
આ પણ વાંચો: ‘વ્યાજદર નક્કી કરવાનો કોર્ટ પાસે અધિકાર…’ સુપ્રીમ કોર્ટે 52 વર્ષ લાંબી કાનૂની લડતનો અંત આણ્યો
વક્ફ બિલમાં શું ફેરફાર સૂચવવામાં આવ્યા છે?
1. વક્ફ મિલકતોની નોંધણીઃ જિલ્લા કલેક્ટર પાસે વક્ફ મિલકતોની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે જેથી તેની સાચી કિંમત અને સ્થિતિનું મૂલ્યાંકન કરી શકાય.
2. બોર્ડના સભ્યો: નવા બિલ મુજબ, વક્ફ બોર્ડના તમામ સભ્યો હવે સરકાર દ્વારા નોમિનેટ કરવામાં આવશે. આમાં બિન-મુસ્લિમ લોકો પણ બોર્ડના સભ્ય બની શકે છે અને ઓછામાં ઓછા બે સભ્યો બિન-મુસ્લિમ હોવા જોઈએ. આ સિવાય વક્ફ બોર્ડના સીઈઓ પણ બિન-મુસ્લિમ હોઈ શકે છે.
3. મહિલાઓની ભાગીદારીઃ આ બિલમાં એવો પણ પ્રસ્તાવ છે કે વક્ફ બોર્ડમાં મહિલાઓની ફરજિયાત ભાગીદારી હોવી જોઈએ, જેથી સમુદાયમાં સમાનતા અને પ્રતિનિધિત્વ લાવી કરી શકાય.
આ બિલ પર વિપક્ષ અને મુસ્લિમ સમાજનો વિરોધ શા માટે?
જો કે સરકાર ટ્રાન્સપરન્સી લાવવા માટે આ સુધારો કરી રહી છે. પરંતુ મુસ્લિમ સમુદાય અને વિપક્ષ તેનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ સુધારાથી વક્ફ બોર્ડના કામકાજમાં સરકારની દખલગીરી વધશે અને તેનાથી ધાર્મિક બાબતોમાં સરકારની દખલગીરી વધશે. ઘણા લોકો માને છે કે આનાથી મુસ્લિમ સમુદાયની સ્વતંત્રતા પર પણ અસર થશે અને વક્ફ બોર્ડમાં સત્તાનું કેન્દ્રીકરણ થશે, જે લોકતાંત્રિક મૂલ્યોને નુકસાન પહોંચાડશે.
શું વક્ફ ટ્રિબ્યુનલના નિર્ણયને પડકારી શકાય?
હા, વક્ફ ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવેલા નિર્ણયને હાઇકોર્ટમાં પડકારી શકાય છે. હાઇકોર્ટ આ નિર્ણયને સુધારી અથવા બદલી શકે છે. હવે જોવાનું એ રહે છે કે આ સુધારા કાયદાનો આખરે અમલ કેવી રીતે થાય છે અને તેની શું અસર થાય છે.