વડોદરા,સમા – છાણી કેનાલ રોડ પર રહેતા દંપતી પૈકી પતિની લાશ બેડની નીચેથી નગ્ન હાલતમાં મળી આવી છે. જ્યારે પત્ની પંખા પર ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. હાલ ફતેગંજ પોલીસ દ્વારા આપઘાતની શંકાના આધારે તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,સમા – છાણી કેનાલ રોડ પર વસુ પાર્ક સોસાયટીમાં રહેતા વિશાલભાઇ રશ્મિકાંતભાઇ પરમાર ( ઉં.વ.૪૪) શેર માર્કેટનું કામ કરતા હતા. તેમજ છાણી જકાત નાકા નજીક જિમ્નેશિયમ પણ ચલાવતા હતા. તેમના પત્ની ઘરકામ કરતા હતા. ગઇકાલે દંપતી રૃમમાં સૂઇ ગયા હતા. જ્યારે તેમનો દીકરો દાદી સાથે ઉપરના માળે સૂઇ ગયો હતો. સવારે પુત્ર ઉઠયો હતો અને રૃમનો દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ, માતા -પિતાએ દરવાજો નહીં ખોલતા તેણે સગાઓને બોલાવી દરવાજો તોડાવ્યો હતો. બેડરૃમમાં વિશાલભાઇ બેડની નીચે નગ્ન હાલતમાં હતા. તેમના ગળાના ભાગે લોહી બાઝી ગયું હતું. જ્યારે વિશાલભાઇની પત્ની ભાવિતા પંખા પર ચૂંદડી બાંધીને ગળો ફાંસો ખાધેલી હાલતમાં લટકતા હતા. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા ફતેગંજ પોલીસે ઘટના સ્થળે દોડી જઇ બંનેના મૃતદેહ પી.એમ. માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં દંપતીએ ગળા ફાંસો ખાઇને આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આપઘાતનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી.તેમજ પહેલા કોનું મોત થયું ? તે પણ જાણી શકાયું નથી.
ઘરેલુ કંકાસના કારણે આપઘાત કર્યો હોવાનું પોલીસનું અનુમાન
વડોદરા,
દંપતીના આપઘાતના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. પતિની લાશ નગ્ન હાલતમાં બેડ નીચેથી મળી હોવાથી સવાલ ઉપસ્થિત થયા છે. પોલીસનું કહેવું છે કે, ઘરેલુ કંકાસના કારણે આપઘાત કર્યો હોવાની શક્યતા છે. દંપતી પૈકી એકે આપઘાત કર્યા પછી બીજાએ પણ આવેશમાં આવીને આપઘાત કર્યો હોવાનું જણાઇ રહ્યું છે.
પોલીસને મૂંઝવતો પ્રશ્ન
બંધ રૃમમાં એવું તો શું થયું કે, જીવન ટૂંકાવવું પડયું
સાઢુભાઇના ઘરે ગણેશ વિસર્જનના કાર્યક્રમમાં જઇને પરત આવ્યા હતા
વડોદરા,
વિશાલભાઇ તેમના પરિવાર સાથે સાઢુભાઇના ઘરે ગણેશ વિસર્જનના કાર્યક્રમમાં ગયા હતા. ત્યાંથી રાતે પરત આવીને તેઓ પત્ની સાથે સૂઇ ગયા હતા. બંધ રૃમમાં એવું તો શું થયું કે,દંપતીને જીવન ટૂંકાવવું પડયું ? તે તપાસનો વિષય છે. પોલીસને કોઇ ચિઠ્ઠી મળી નથી. પરંતુ, પોલીસ દ્વારા તેઓના મોબાઇલ ફોનની તપાસ શરૃ કરવામાં આવી છે. ઘટના પહેલા છેલ્લા કોઇને કોલ કે મેસેજ કર્યો છે કે કેમ ?તે અંગે પોલીસે તપાસ શરૃ કરી છે.
એફ.એસ.એલ. દ્વારા રૃમની ચકાસણી કરાવતી પોલીસ
વડોદરા,
પોલીસનું કહેવું છે કે, બેડરૃમમાં કોઇ ઘર્ષણના પુરાવા મળ્યા નથી. તેમજ મૃતકોના શરીર પર અન્ય કોઇ ઇજા નથી. રૃમની તપાસ માટે એફ.એસ.એલ.ની પણ મદદ લેવામાં આવી છે. પોલીસ દ્વારા મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વિશેરાના રિપોર્ટ તેમજ પી.એમ. રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. પી.એમ. રિપોર્ટમાં મોતનો સમય આવ્યા પછી કોનું પહેલા મોત થયું હતું. તે જાણી શકાશે.