Vadodara Visa Fraud : ઓસ્ટ્રેલિયાના પી.આર ના નામે બે યુવક સાથે છેતરપિંડી કરનાર ખાનગી વિઝા ઓફિસના ચાર સંચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
ગોત્રી રોડના બંસલ મોલ સામે સાઈનાથ રેજન્સીમાં રહેતા આશિષ કુમાર સોલંકીએ પોલીસને કહ્યું છે કે, મારે ઓસ્ટ્રેલિયામાં વર્ક પરમિટ અને પીઆરની જરૂર હોવાથી ડિસેમ્બર 2022 માં ગેંડા સર્કલ પાસે ઓસન બિલ્ડીંગમાં આવેલી એવી ઈમિગ્રેશન(એપેક્ષ)નો સંપર્ક કર્યો હતો.
ઓફિસમાંથી મને 5.50 લાખ રૂપિયાનો ખર્ચ થશે તેમ કહેવાયું હતું અને બે વર્ષના વિઝા મળશે તેવી ખાતરી આપવામાં આવી હતી. જેથી મેં ટુકડે ટુકડે 2.33 લાખ ભર્યા હતા. પરંતુ ત્યારબાદ વારંવાર તપાસ કરવા છતાં મને સંતોષકારક જવાબ આપવામાં આવ્યો હતો અને રૂપિયા પણ પરત કર્યા ન હતા.
આવી જ રીતે સોમા તળાવ પાસે સિદ્ધેશ્વર હેપીનેસમાં રહેતા કેતનભાઇ સોલંકી અને તેમના પરિવારને કેનેડા તથા ઓસ્ટ્રેલિયા મોકલવાના નામે પણ સંચાલકોએ 1.80 લાખ પડાવી લીધા હોવાની વિગતો જાણવા મળી છે.
જેથી પોલીસે એ.વી ઈમિગ્રેશનના સંચાલક જયપ્રકાશ જીવરાજભાઈ મહેતા, તનુશ્રી વિશ્વાસ, સંજીવ રાય કુમાર અને મનીન્દરસિંગ અરોરા સામે ગુનો નોંધ્યો છે.