– હાઈકોર્ટના જજના ઘરમાંથી કરોડોની રોકડ મળ્યાના કેસમાં કશુંક રંધાયાની આશંકા
– દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે સીજેઆઈને રિપોર્ટ સોંપ્યો, ઘટનાની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિ બનાવાઈ
– સિમ્ભાવલી સુગર મિલની કરોડોના લોન કૌભાંડમાં પણ યશવંત વર્માનું નામ સંડોવાયું હતું, સીબીઆઈએ એફઆઈઆર કરી હતી
નવી દિલ્હી: દિલ્હીના ન્યાયાધીશ જસ્ટિસ વર્માના ઘરમાં હોળીના દિવસે લાગેલી આગ, તેમના ઘરમાંથી કથિત રીતે મળેલી કરોડોની રોકડના વિવાદનું કોકડું ગુંચવાયું છે. જસ્ટિસ યશવંત વર્માના સરકારી બંગલામાં કથિત રીતે મળી આવેલી કરોડો રૂપિયાની રોકડની ઘટનાની તપાસ કરી રહેલા દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયે શનિવારે તેમનો રિપોર્ટ સીજેઆઈ સંજિવ ખન્નાને સોંપી દીધો હતો. આ સાથે સીજેઆઈએ દિલ્હી હાઈકોર્ટને જજ વર્માને હાલ કોઈ જ્યુડિશિયલ કામ નહીં સોંપવા આદેશ આપ્યો છે તેમજ આ ઘટનાની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિ બનાવી છે.
દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના ઘરેથી કથિત રીતે રૂ. ૨૫ કરોડથી વધુની રોકડ મળી આવી હોવાનો વિવાદ ગરમાયો છે. આ ઘટનામાં કરોડોની રોકડ મળવા છતાં સુપ્રીમ કોર્ટનું કોલેજિયમ માત્ર ન્યાયાધીશ વર્માની અલ્લાહાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરીને સંતોષ માણી રહ્યું હોવાના અહેવાલોથી શુક્રવારે દેશભરમાં ભારે હોબાળો મચી ગયો હતો.
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે શનિવારે દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયે તેમનો રિપોર્ટ મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાને સોંપી દીધો છે. આ રિપોર્ટના આધારે હવે તેઓ આગળની કાર્યવાહી કરશે. મુખ્ય ન્યાયાધીશ સંજિવ ખન્નાએ શનિવારે આ રિપોર્ટ મળ્યા પછી જસ્ટિસ વર્મા વિરુદ્ધ આંતરિક તપાસનો આદેશ આપ્યો છે. વધુમાં આ સમગ્ર વિવાદમાં જસ્ટિસ યશવંત વર્મા સામેના આરોપોની તપાસ માટે ત્રણ સભ્યોની એક સમિતિ બનાવી છે. વધુમાં સીજેઆઈએ દિલ્હી હાઈકોર્ટને જસ્ટિસ યશવંત વર્માને કોઈપણ ન્યાયિક કામ નહીં સોંપવાનો પણ આદેશ આપ્યો છે.
જસ્ટિસ વર્મા વિરુદ્ધ બનાવાયેલી સમિતિમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ જજ શીલ નાગુ, હિમાચલ પ્રદેશના મુખ્ય ન્યાયાધીશ જજ જીએસ સંધાવાલિયા અને કર્ણાટક હાઈકોર્ટના જજ અનુ સિવરામનનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયે રજૂ કરેલો રિપોર્ટ, જસ્ટિસ યશવંત વર્માનો પ્રતિભાવ અને અન્ય દસ્તાવેજો સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે.
દરમિયાન જસ્ટિસ યશવંત વર્માની મુશ્કેલીઓ વધી ગઈ છે. જસ્ટિસ વર્મા અંગે શનિવારે નવો એક કેસ સામે આવ્યો છે. આ કેસમાં સીબીઆઈની એફઆઈઆરમાં પણ તેમનું નામ નોંધાયું હતું. આ કેસ ઉત્તર પ્રદેશની સિમ્ભાવલી સુગર મિલનો છે. એફઆઈઆર સિમ્ભાવલી સુગર્સ લિમિટેડ નામની એક સુગર મિલના નામે હતી. આરોપ છે કે આ મિલે બેન્કો સાથે છેતરપિંડી કરી હતી. આ કેસમાં ચોંકાવનારી વાત એ છે કે ન્યાયાધીશ યશવંત વર્મા ૧૩ ઑક્ટોબર ૨૦૧૪ના રોજ અલ્લાહાબાદ હાઈકોર્ટના જજ બનતા પહેલા સિમ્ભાવલી સુગર્સમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા. આ સિમ્ભાવલી સુગર્સનું ખાતુ વર્ષ ૨૦૧૨માં એનપીએ જાહેર કરાયું હતું.
સીબીઆઈએ ૨૨ ફેબુ્રઆરી ૨૦૧૮ના રોજ ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ સુગર મિલ સામે એફઆઈઆર કરી હતી. તેના પાંચ દિવસ પછી ઈડીએ ૨૭ ફેબુ્રઆરી ૨૦૧૮ના રોજ મની લોન્ડરિંગ કાયદા હેઠળ ઈસીઆઈઆર નોંધી હતી. ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ (ઓબીસી)ની ફરિયાદ પર સિમ્ભાવલી સુગર મિલના ડિરેક્ટર્સ સહિત કુલ ૧૨ લોકોના નામે એફઆઈઆર નોંધાઈ હતી, જેમાં ૧૦મું નામ જસ્ટિસ વર્માનું હતું. કંપનીના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે તેમનું નામ એફઆઈઆરમાં હતું. ઓબીસીએ સિમ્ભાવલી સુગર્સને રૂ. ૧૫૦ કરોડની લોન આપી હતી. કંપનીએ ખેડૂતોને મદદ કરવાના નામે લોન લીધી હતી, પરંતુ તેનો ઉપયોગ પોતાના માટે કર્યો હતો. ઓબીસીનું પાછળથી પંજાબ નેશનલ બેન્કમાં મર્જર થઈ ગયું હતું.
આ કેસમાં સુપ્રીમ કોર્ટે પણ સિમ્ભાવલી સુગર્સ વિરુદ્ધ એસબીઆઈની નાદારીની કાર્યવાહીને રદ કરવાનો ઈનકાર કર્યો હતો. સુપ્રીમે સિમ્ભાવલી માટે કરાયેલી સમજૂતી દરખાસ્તને નકારી કાઢવાના સીબીઆઈના નિર્ણયને યોગ્ય ઠરાવ્યો હતો. સુપ્રીમે કહ્યું હતું કે, બેન્કા નિર્ણયમાં કોઈ ભૂલ કાઢી શકાય નહીં. જોકે, આ કેસ સામે આવ્યા પછી કહેવાય છે કે જસ્ટિસ વર્માનું નામ પહેલાથી જ સુગર મિલ સાથે જોડાયેલા વિવાદમાં સામે આવ્યું હતું.
હવે તેમના ઘરેથી કથિત રીતે કરોડો રૂપિયાની રોકડ મળવાની વાત સામે આવી છે. સીબીઆઈની એફઆઈઆરમાં જજનું નામ આવવાની બાબતને પણ ગંભીર માનવામાં આવે છે.
– જજ વર્મા અંગે ખોટી વાતો ફેલાવાઈ છે : સુપ્રીમ
દિલ્હી ફાયરના ચીફ અતુલ ગર્ગનો રોકડ મળવા મુદ્દે વારંવાર યુ-ટર્ન
નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના ઘરેથી હોળીના દિવસે કથિત રીતે કરોડો રૂપિયાની રોકડ મળી હોવાના અહેવાલો પછી આ ઘટનામાં શુક્રવારે સાંજે ત્યારે ટ્વીસ્ટ આવ્યો જ્યારે દિલ્હી ફાયર વિભાગના ચીફ અતુલ ગર્ગે પહેલા કહ્યું કે તેમની ટીમને કરોડો રૂપિયાની કોઈ રોકડ દેખાઈ નથી. તેમના રિપોર્ટમાં પણ આવો કોઈ ઉલ્લેખ નથી. જોકે, પાછળથી મોડી રાતે તેમણે આ નિવેદન ફેરવી તોળ્યું હતું અને દાવો કર્યો કે જસ્ટિસ વર્માના ઘરેથી કથિત રીતે મળેલી રોકડ અંગે તેમણે કોઈ નિવેદન કર્યું નથી અને તેમના નામે જે નિવેદન ચાલી રહ્યું છે તે ખોટું છે. મેં ક્યારેય કહ્યું જ નથી કે જસ્ટિસ વર્માના ઘરેથી કોઈ રોકડ મળી નથી. બીજીબાજુ સુપ્રીમ કોલેજિયમે પણ કહ્યું કે, જસ્ટિસ વર્માની ટ્રાન્સફરને તેમની પાસેથી કથિત રીતે મળી આવેલા કરોડો રૂપિયાને કોઈ સંબંધ નથી. બંને અલગ અલગ બાબતો છે. ન્યાયાધીશ યશવંત વર્મા અંગે ખોટી વાતો ફેલાવાઈ રહી છે.