વડોદરા,માતાને મેસેજ કરનાર યુવક પર પુત્રે કાચની બોટલ વડે હુમલો કરી ગળા, હાથ અને પગના ભાગે ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે.
તરસાલી બાયપાસ નજીક આદર્શ નગરમાં રહેતા સુખદેવસિંગ રૃપસિંગભાઇ મહેરા પોર જી.આઇ.ડી.સી.માં ડ્રાઇવિંગ કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યંું છે કે, મારી ઓળખાણ રાજુ સોલંકી, કૃણાલ પરમાર અને એક સગીર સાથે થઇ હતી. સગીર ઘણીવાર રાતે મોડા ઘરે જતો હોઇ તેની મમ્મી મને અવાર – નવાર ફોન કરીને પૂછતી હતી. તેણે તેની મમ્મીના મોબાઇલ ફોનમાં મારા મેસેજ અને કોલ જોતા ગુસ્સે થયો હતો. તેણે મને તરસાલી તળાવ પાસે મળવા બોલાવી કાચની બોટલ વડે હુમલો કરી મને ગળા, હાથ અને પગના ભાગે ઇજા પહોંચાડી હતી.તેના બે મિત્રોએ પણ મને માર માર્યો હતો.
જ્યારે સામા પક્ષે સગીરની માતાએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મેસેજ કરવાના મુદ્દે તકરાર થતા સુખદેવસિંગે મારા દીકરાને કાન પર બચકું ભરી લીધું હતું. તેમજ જમણી આંખના ઉપરના ભાગે કડુ મારી દીધું હતું.