વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની પોલીટેકનિકની ખસ્તા હાલત છે.પોલીટેકનિકમાં ભણતા વિદ્યાર્થીઓને પાયાની સુવિધાઓ માટે પણ ફાંફા મારવા પડી રહ્યા છે.જેને લઈને આજે વિદ્યાર્થીઓએ હંગામો કર્યો હતો.
વિદ્યાર્થીઓનું કહેવું છે કે, છેલ્લા બે વર્ષથી કોલેજની કેન્ટીન બંધ હાલતમાં છે.તેના પર સત્તાધીશો ધ્યાન આપી રહ્યા નથી. વિદ્યાર્થીઓ માટેની કોમ્પ્યુટર લેબોરેટરીમાં સંખ્યાબંધ કોમ્પ્યુટરો બંધ હાલતમાં છે.જેના કારણે એક કોમ્પ્યુટર પર ત્રણ-ત્રણ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ માટે બેસાડવામાં આવે છે.વિદ્યાર્થીઓ પાસેથી ફી વસુલવામાં આવે છે પણ તેમને સુવિધાઓ આપવામાં આવતી ન થી.
પોલીટેકનિકમાં સફાઈના પણ ઠેકાણા નથી.ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે.નિયમિત રીતે સફાઈ કરવામાં આવતી નથી.એનએસયુઆઈ દ્વારા આજે ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને સાથે રાખીને પોલીટેકનિક કોલેજ પ્રિન્સિપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓએ પોલીટેકનિકની સ્થિતિ ના સુધરે તો આગામી દિવસોમાં હડતાળ પાડવાની ચીમકી આપી હતી.