કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બાદ હવે વિપક્ષી નેતા હાજરી આપશે : બપોરે 2.30થી 7 વાગ્યા સુધી પ્રશિક્ષણ શિબિરમાં ઉપસ્થિતિ, સલામતી વ્યવસ્થા માટે પોલીસ સજ્જ બની
જૂનાગઢ, : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન સૃજન અંતર્ગત આયોજિત મહાનગર અને જિલ્લા પ્રમુખની પ્રશિક્ષણ શિબિરમાં શુક્રવારે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી જૂનાગઢમાં આવવાના છે. 10 દિવસની શિબિરને અનુલક્ષીને આવતીકાલે બપોરના રાહુલ ગાંધી પ્રેરણાધામ ખાતે આવી તાલીમ શિબિરમાં 4થી 5 કલાક સુધી હાજર રહેશે.
ભવનાથ તળેટીમાં આવેલા પ્રેરણાધામ ખાતે તા. 10ના શરૂ થયેલી પ્રશિક્ષણ શિબિરમાં પ્રથમ દિવસે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જોડાયા હતા. ત્રીજા દિવસની પ્રશિક્ષણ શિબિરમાં લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી બપોર બાદ હાજર રહેશે. તા. 12ના 11.30 વાગ્યે દિલ્હીથી ખાસ પ્લેન મારફત નીકળી 1.30 વાગ્યે કેશોદ એરપોર્ટ પર આવશે. ત્યાંથી વાહન માર્ગે 2-30 વાગ્યે ભવનાથ તળેટીમાં આવેલી પ્રેરણાધામની શિબિરમાં પહોંચશે. 7 વાગ્યા સુધી જૂનાગઢમાં રોકાશે, ત્યાંથી વાહન માર્ગે નીકળી 9 વાગ્યે પોરબંદર પહોંચશે અને ત્યાંથી ખાસ વિમાન મારફત 11 વાગ્યા આસપાસ દિલ્હી પહોંચશે. પ્રશિક્ષણ શિબિરમાં રાહુલ ગાંધી હાજર રહેવાના હોવાથી આજે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કેશોદ, પોરબંદર અને જૂનાગઢ શહેર તથા પ્રેરણાધામ ખાતે મુલાકાત લઈ સલામતીની સમીક્ષા કરવામાં આવી હતી. વિપક્ષી નેતાની જૂનાગઢ મુલાકાતને લઈ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ પણ જૂનાગઢ દોડી આવ્યા છે.