Vadodara : વડોદરાના આજવા રોડની રામેશ્વર સોસાયટીમાં રહેતા જીતુભાઈ રણછોડભાઈ રાય આજવા રોડ પર વિકી ક્લોથ સ્ટોર નામની દુકાન ચલાવે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તે મને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારા પિતાના મિત્ર મોહનભાઈ સાવલિયાને હું સારી રીતે ઓળખતો હતો. તેમના પુત્ર વિજય સાવલિયાને પણ ઓળખતો હતો. વર્ષ 2024 માં મારે ધંધા માટે રૂપિયાની જરૂરિયાત ઊભી થતા મેં વિજય મોહનભાઈ સાવલિયા (રહે-ચામુંડા સોસાયટી, ઝવેર નગર વાઘોડિયા રોડ) પાસેથી દસ લાખ રૂપિયા લીધા હતા. જેમાંથી પાંચ લાખ રૂપિયા મેં ધંધામાં રોક્યા હતા અને બાકીના પાંચ લાખ મારા મિત્ર દીપક પ્રણામીની હાજરીમાં પરત આપી દીધા હતા.
જૂન 2024 માં વિજયભાઈએ મને કહ્યું કે 10% વ્યાજ આપવું પડશે. તેમજ સિક્યુરિટી પેટે ચેક પણ આપવા પડશે. જેથી મેં તેઓને પાંચ લાખનો ચેક આપ્યો હતો. મેં તેઓને અત્યાર સુધી 7.50 લાખ રૂપિયા ચૂકવી આપ્યા છે તેમ છતાં વિજયભાઈ અડધી રાત્રે અને વહેલી સવારે મારા ઘરની બહાર જુદા જુદા ગુંડા તત્વોને સાથે લાવીને બૂમો પાડી ગાડીના હોર્ન વગાડી હેરાન કરે છે અને સોસાયટીના લોકોની સામે ગાળો બોલી ધમકી આપે છે. હું ઘરે ન હોઊં ત્યારે પણ મારી પત્ની તથા પુત્રીને ધમકીઓ આપે છે તેમજ મારી દુકાનને પણ આગ લગાવી દેવાની ધમકી આપે છે.
અવારનવારના ત્રાસથી કંટાળીને મેં બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ફેબ્રુઆરી 2025 માં મને હાર્ટ એટેક આવતા હાર્ટમાં સ્ટેન્ડ મુકાવ્યું હતું. ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ જેવી બીમારીના કારણે હું ધંધા માટે બહાર જઈ શકતો નથી અને મારે આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી થઈ ગઈ છે.