Gujarat Congress : ગુજરાતના જુનાગઢમાં કોંગ્રેસ દ્વારા તેના નવનિયુક્ત પ્રમુખોને પ્રશિક્ષણ આપવા માટે આયોજિત શિબિરનો આજે ત્રીજો દિવસ છે. આજે રાહુલ ગાંધી પણ શિબિરમાં ભાગ લેવા ગુજરાતની મુલાકાતે છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે.સી.વેણુગોપાલની કડક ચેતવણીએ ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. વેણુગોપાલના નિવેદનથી અમરેલી જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ પ્રતાપ દૂધાતનું પદ હવે જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે.સી.વેણુગોપાલે એક પ્રશિક્ષણ શિબિરમાં આપેલા નિવેદનથી આ સંકેતો મળ્યા છે. તેમણે જણાવ્યું કે 41 જિલ્લા પ્રમુખો પૈકી એક જિલ્લા પ્રમુખ ગેરહાજર છે, અને આ ગેરહાજર પ્રમુખ પ્રતાપ દૂધાત છે, જેઓ શિબિરના પ્રથમ દિવસથી ગેરહાજર છે.
કે.સી.વેણુગોપાલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોંગ્રેસમાં હવે જે લોકો કામ કરશે તેમને પ્રમોશન આપવામાં આવશે, જ્યારે જેઓ કામ નહીં કરે તેમની પાસેથી પદ આંચકી લેવામાં આવશે. પ્રતાપ દૂધાત જિલ્લા અધ્યક્ષ બન્યા બાદ સંગઠનનું માળખું હજુ સુધી જાહેર કરી શક્યા નથી, તેને પણ તેમની ગેરહાજરીના કારણ સાથે જોડી શકાય છે.
આ તમામ અટકળો વચ્ચે કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે આ બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે પ્રતાપ દૂધાતના કાકાનું અવસાન થયું હોવાથી તેઓ શિબિરમાં હાજર રહી શક્યા નથી. હેમાંગ રાવલે એમ પણ કહ્યું કે કે.સી.વેણુગોપાલ દ્વારા કોઈ પણ પ્રમુખના નામ જોગ ટિપ્પણી કરવામાં આવી નથી, અને આ મામલો અંગત છે.
તો પ્રતાપ દૂધાતના પી.એ સાથે પણ ગુજરાત સમાચારે ટેલિફોનિક વાત કરતા તેમણે પણ આજ કારણ જણાવ્યું હતું, સાથે જ અગાઉની શિબિરમાં પણ ગેરહાજરી મુદ્દે પણ સ્પષ્ટતા કરી હતી કે તે સમયે તેમના કાકા હોસ્પિટલમાં હતા અને સિરિયસ હતા. અને તે મુદ્દે પ્રતાપ દૂધાતે ઈ મેઈલ કરી જાણ કરી હતી કે તેઓ શિબિરમાં હાજર નહીં રહી શકે.
આ પણ વાંચો: ‘કામ નહીં કરો તો પદ છીનવાશે’, ગુજરાતમાં કોંગ્રસનું 90 દિવસનું અલ્ટિમેટમ, પ્રતાપ દૂધાતની ગેરહાજરીથી વિખવાદ
આ ઘટનાથી રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે અને પ્રતાપ દૂધાતના પદને લઈને અનેક અટકળો ચાલી રહી છે. કોંગ્રેસ હાઈકમાન્ડ આ મામલે શું નિર્ણય લે છે તે આગામી સમયમાં જોવા મળશે.
કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિરોનું આયોજન
તમને જણાવી દઈએ કે, કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન હેઠળ જૂનાગઢમાં આજ(10 સપ્ટેમ્બર)થી 19 સપ્ટેમ્બર સુધી 10 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાહુલ ગાંધી પણ હાજરી આપશે. આ વર્ષે ગુજરાતમાં આયોજિત થનારું પાર્ટીનું આ બીજું પ્રશિક્ષણ શિબિર છે. જેમાં પહેલું પ્રશિક્ષણ શિબિર ગત જુલાઈ મહિનામાં આણંદમાં આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં રાહુલ ગાંધીએ જિલ્લાના નવનિયુક્ત અધ્યક્ષોને સંબોધિત કર્યા હતા અને સહકારી ડેરી સંઘના સદસ્યો સાથે વાતચીત કરી હતી.
આ પ્રશિક્ષણ શિબિરોનું આયોજન 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અને પાર્ટીના ‘મિશન 2027’ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસે તાજેતરમાં 2027ની રાજ્ય વિધાનસભા ચૂંટણી પહેલા જિલ્લા સ્તરે પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા માટે તમામ જિલ્લા કોંગ્રેસ સમિતિઓના નવા પ્રમુખોની નિમણૂક કરી છે.
રાહુલ ગાંધીની આ મુલાકાત એ દર્શાવે છે કે કોંગ્રેસ ગુજરાતમાં સત્તા પર પરત ફરવા માટે ગંભીરતાથી પ્રયાસો કરી રહી છે. આશા છે કે આ તાલીમ કેમ્પ અને રાહુલ ગાંધીના માર્ગદર્શનથી કોંગ્રેસ ગુજરાતમાં નવી દિશા મેળવી શકશે.