– માહિતી આયોગની કચેરીમાં હાજર નહીં રહેતા કાર્યવાહી
– આરટીઆઇ અરજીનો નિયત સમયમાં જવાબ નહીં મળતા અરજદારે ચીફ માહિતી આયોગમાં અપીલ કરી હતી
બગોદરા : બાવળાની વલ્લભનગર સોસાયટીના રહેવાસી વિશાલ ભરતકુમાર મહેતાએ ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ તત્કાલીન ચીફ ઓફિસર સિદ્ધાર્થ પટેલ પાસે આરટીઆઇ હેઠળ કેટલીક માહિતી માંગી હતી. આ માહિતીમાં વર્ષ ૨૦૨૨-૨૩થી ૨૦૨૪ સુધીના તમામ ઠરાવોની પ્રમાણિત નકલ, ૩૦ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ કલેક્ટર દ્વારા યોજાયેલી સંકલન મીટિંગમાં વરસાદી પાણીના નિકાલ અંગેની માહિતી, અને આ વર્ષે વરસાદી પાણીના નિકાલ માટે થયેલા ખર્ચની વિગતોનો સમાવેશ થતો હતો.
નિર્ધારિત સમયમર્યાદામાં માહિતી ન મળતા, અરજદારે ૩૦ ડિસેમ્બરના રોજ પ્રથમ અપીલ કરી. પ્રથમ અપીલ અધિકારીએ ૧૫ દિવસમાં વિનામૂલ્યે માહિતી પૂરી પાડવાનો આદેશ આપ્યો, પરંતુ તેનું પણ પાલન થયું નહીં. ?અંતે, અરજદારે ૬ ફેબુ્રઆરીએ ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગર સમક્ષ બીજી અપીલ દાખલ કરી. ૩૧ જુલાઈના રોજ સુનાવણી યોજાઈ, જેમાં અરજદાર વિશાલ મહેતા હાજર રહ્યા હતા, જ્યારે ચીફ ઓફિસર અને જાહેર માહિતી અધિકારી ગેરહાજર રહ્યા હતા. આયોગ દ્વારા ખુલાસો પૂછવા છતાં કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહોતો.
આ બેદરકારીને ગંભીરતાથી લઈને, આયોગે ચીફ ઓફિસર આકાશ પટેલને જવાબદાર ઠેરવ્યા અને કલમ-૨૦(૧) હેઠળ રૂ.૧૫,૦૦૦નો દંડ ફટકાર્યો છે. આ દંડ એક મહિનામાં તેમના પોતાના ભંડોળમાંથી ભરપાઈ કરવાનો અથવા તો તેમના પગારમાંથી કાપવાનો આદેશ થયો હતો. આ ઉપરાંત, અરજદાર દ્વારા માંગવામાં આવેલી તમામ માહિતી ૧૦ દિવસમાં વિનામૂલ્યે પૂરી પાડવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશનું પાલન કરતા, હાલના ચીફ ઓફિસર આકાશ પટેલે દંડની રકમ ભરપાઈ કરી દીધી છે.