Valsad Accident: ગુજરાતમાં કહેવાતી દારૂબંધીની હકીકત છાશવારે સામે આવતી રહે છે. આવી જ એક ઘટના ફરી વલસાડમાંથી સામે આવી છે. જ્યાં દારૂના નશામાં ધૂત કાર ચાલકે કેટલાંક વાહનો અને પશુઓને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા તેમજ એક વાછરડી અને શ્વાનનું મોત નિપજ્યું હતું. ઘટના બાદ રોષે ભરાયેલા લોકોએ કાર ચાલકને ગાડીમાંથી બહાર કાઢ્યો અને ખૂબ માર માર્યો હતો. ત્યારબાદ તેને પોલીસને સોંપી દીધો હતો.
આ પણ વાંચોઃ અમદાવાદમાં સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બદલ સાડા સોળ વર્ષના કિશોરને 20 વર્ષની સજા
શું હતી ઘટના?
વલસાડમાં શુક્રવારે (12 સપ્ટેમ્બર) મોડી રાત્રે દારૂના નશામાં ધૂત કારચાલકે અનેક લોકોને કચડ્યા હતા. ધરમપુર ચોકડીથી ROB બ્રિજ તરફ જતા રસ્તે કાર ચાલકે રોડ પર પાર્ક કરેલા વાહનો અને રસ્તા પર બઠેલા પશુઓને ટક્કર મારી હતી. અકસ્માતમાં બે વ્યક્તિઓને ઈજા થઈ હતી અને એક વાછરડી અને શ્વાનનું મોત નિપજ્યું હતું. જોકે, અકસ્માત બાદ કાર ચાલક ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરતો હતો પરંતુ, સ્થાનિક લોકોએ તેનો પીછો કરી તેને ઝડપી લીધો હતો.
સ્થાનિકોએ માર્યો માર
જ્યારે આ કાર ચાલક ઝડપાયો તો જાણ થઈ કે, તે દારૂના નશામાં ધૂત હતો. જેનાથી સ્થાનિક રોષે ભરાયા હતા અને તેને ઢોર માર માર્યો હતો. સ્થાનિકોએ તેના કપડા કાઢીને આખા રસ્તે માર મારવામાં આવ્યો અને બાદમાં પોલીસને સોંપી દેવામાં આવ્યો.
આ પણ વાંચોઃ જુનાગઢ મનપા કોર્પોરેટરની હત્યા કરનારો અશ્વિન કાઠી સાધુના વેશમાં ઝડપાયો, 7 વર્ષથી હતો ફરાર
પોલીસે હાથ ધરી તપાસ
સમગ્ર મામલે પોલીસ કંટ્રોલ રૂમને જાણ થતા વલસાડ સિટી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે કાર ચાલકને કસ્ટડીમાં લીધો છે. જોકે, પોલીસ લખેલી નંબર પ્લેટને લઈને પણ પોલીસે તપાસ હાથ ધરી છે.