Rain IMD Forecast : હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ગુજરાતમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે તેવી આગાહી કરવામાં આવી છે. આ આગાહી અનુસાર, રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બે કેન્દ્ર શાસિત પ્રદેશો સહિત રાજ્યના 7 જિલ્લાઓમાં ઓરેન્જ ઍલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 11 જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી સાથે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નવરાત્રિમાં વરસાદ થતાં ખેલૈયા અને આયોજકોમાં ચિંતાની સાથે નિરાશા છવાઇ ગઇ છે.
રાજ્યના 3 જિલ્લામાં રેડ ઍલર્ટ, 6 જિલ્લામાં યલો ઍલર્ટ
તો બીજી તરફ હવામાન વિભાગના નાઉકાસ્ટ હેઠળ દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જુનાગઢમાં સવારે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, જામનગર, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, નવસારી, વલસાડ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
પરીક્ષાઓ મોકૂફ અને માછીમારોને સૂચના
વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે (29 સપ્ટેમ્બર) યોજાનારી BSC, BCA અને BBAની તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. મોકૂફ રખાયેલી પરીક્ષાઓની નવી તારીખો યુનિવર્સિટીની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.
આ ઉપરાંત, આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.
આ પણ વાંચો: 24 કલાકમાં રાજ્યના 232 તાલુકામાં મેઘમહેર, ગીર સોમનાથના સૂત્રાપાડામાં 8.03 ઈંચ ખાબકતાં જળબંબાકાર
3 દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે સોમવારે (29 સપ્ટેમ્બર) અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં રેડ ઍલર્ટ, રાજકોટ, બોટાદ, ભાવનગર, જૂનાગઢ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે કચ્છ, પાટણ, બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.
30 સપ્ટેમ્બરની આગાહી
ઑરેન્જ ઍલર્ટ: દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ.
યલો ઍલર્ટ: કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ.
1 ઓક્ટોબરની આગાહી
યલો ઍલર્ટ: કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ.
જ્યારે આગામી 2 ઓક્ટોબરથી 4 ઓક્ટોબર દરમિયાન રાજ્યના તમામ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.