Dholka News : અમદાવાદ ગ્રામ્યના બગોદરા ગામમાં 20 જુલાઈ, 2025 ના રોજ બનેલી એક કરુણ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું. એક જ પરિવારના પાંચ સભ્યોએ આપઘાત કરીને જીવન ટૂકાવ્યું હતું. સમગ્ર ઘટના મામલે પોલીસ દ્વારા આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં બગોદરા આત્મહત્યા કેસ મામલે ફાયનાન્સ કંપનીના ત્રણ કર્મચારીઓ સામે ગુનો નોંધાયો છે.
બગોદરા આત્મહત્યા કેસ
અમદાવાદના ધોળકા તાલુકાના બારકોઠા ગામના વતની વિપુલભાઈ કાનજીભાઈ વાઘેલા બગોદરામાં રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. વિપુલે પોતાની પત્ની સોનલબહેન અને ત્રણ બાળકોમાં કરીના ઉર્ફે સીમરન (ઉં.વ.11), મયુર (ઉં.વ.8), અને પ્રિન્સી (ઉં.વ. 5) સાથે મળીને ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો.
આ પણ વાંચો: ગુજરાતને ફરી ધમરોળશે મેઘરાજા, આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
ફાયનાન્સ કંપનીના ત્રણ કર્મચારીઓ સામે ફરિયાદ
આ કરુણ ઘટના પાછળનું કારણ લોનનું દબાણ હોવાનું સામે આવ્યું છે. મૃતક વિપુલભાઈએ માર્ચ 2025માં ખુશ્બુ ઓટો ફાઇનાન્સ પ્રા.લિ. પાસેથી રીક્ષા ખરીદવા માટે 2.45 લાખ રૂપિયાની લોન લીધી હતી. આ લોનના હપ્તા સમયસર ન ભરી શકતા, ફાયનાન્સ કંપનીના કર્મચારીઓ દ્વારા તેમને સતત ધમકીઓ મળતી હતી.
મૃતક વિપુલભાઈના સાળા, સુભાષભાઈ નટુભાઈ ચેખલીયા દ્વારા બગોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ, ‘ફાયનાન્સ કંપનીના ત્રણ કર્મચારીઓમાં ધનરાજસિંહ ઝાલા, દર્શનભાઈ અને જીશાનભાઈએ વિપુલભાઈને લોનના હપ્તા ભરવા માટે સતત માનસિક ત્રાસ આપતા હતા અને રીક્ષા ખેંચી જવાની ધમકી આપતા હતા. જેના કારણે વિપુલભાઈ અને તેમનો પરિવાર ભારે તણાવમાં જીવી રહ્યા હતા.’
આ પણ વાંચો: અમદાવાદના નારોલમાં વીજ કરંટથી દંપતીના મોતનો કેસ: AMCના અધિકારીઓ સહિત પાંચ લોકોની ધરપકડ
આ મામલામાં હવે ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 અને 54 હેઠળ આત્મહત્યા માટે ઉશ્કેરણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટના સમાજમાં લોન વસૂલવાની પ્રક્રિયામાં ફાયનાન્સ કંપનીઓ દ્વારા થતાં અમાનવીય દબાણ પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. બગોદરા પોલીસે સમગ્ર મામલાની વધુ તપાસ હાથ ધરી છે.