– અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર નામુ જારી કર્યું
– સ્ટેશન રોડથી પાળીયાદ જતા અને આવતા વાહનોનો રૂટ નિશ્ચિત કરાયો, પીકઓવરમાં ભારે વાહનો પર પ્રવેશબંધી
ભાવનગર : બોટાદની ટ્રાફીક સમસ્યાના નિવારણ માટે રેલવે સ્ટેશન રોડ, અંડરબ્રીજ, ટાવર રોડથી પાળીયાદ જતાં તેમજ પાળીયાદ રોડથી આવતા વાહનો માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા રૂટ ડાયવર્ઝન અંગેનું જાહેરનામુ જારી કર્યું હતું.
બોટાદ શહેરમાં વાહનોનો ધસારો વધતા ટ્રાફિક સમસ્યા ઉઠવા પામી છે. ત્યારે બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું જારી કરી. બોટાદ શહેરમાં રેલવે સ્ટેશન રોડ, અન્ડરબ્રિજ, સાળંગપુર રોડ તથા ટાવર રોડ પરથી પાળીયાદ તરફ જતાં વાહનોને ફક્ત સાળંગપુર ત્રણ રસ્તાથી સાળંગપુર ત્રણ રસ્તાથી ગોંડલ પાન પેલેસથી મસ્તરામ મંદિર સતવારા બોર્ડીંગ થઈ કાબા રૂપાની વાડીથી વકીલ પેટ્રોલ પંપ સામેથી પાળીયાદ રોડ ઉપર પ્રવેશ કરવાનો રહેશે. તેવી જ રીતે પાળીયાદ રોડ તરફથી આવતાં વાહનોને ટાવર રોડ, રેલવે સ્ટેશન રોડ તથા સાળંગપુર જતાં વાહનોને હવેલી ચોકથી મોબાઈલ બજાર – કરમશી ભવાન કિરાણા સ્ટોર (તરાના પાન)થી ટાવર રોડ પર પ્રવેશ કરવાનો રહેશે. હવેલી ચોકથી દિનદયાળ ચોક અને હિરા બજારમાં ટ્રાફીક સમસ્યા નિવારવા ફક્ત એકબાજુ દ્વિ-ચક્રી વાહનો પાર્ક કરવા એટલે કે એકી તારીખે જમણી બાજુ તથા બેકી તારીખે ડાબી બાજુ વાહનો પાર્ક કરવાનાં રહેશે. બોટાદ શહેરમાં પીક અવર્સ દરમ્યાન એટલે કે સવારનાં ૧૦ કલાકથી ૨ કલાક તથા સાંજનાં ૪ કલાકથી ૮ કલાક દરમિયાન શહેરનાં તમામ ભારે વાહનો માટે પ્રવેશ નિષેધ રહેશે. ફોર્ચુન હોસ્પિટલવાળા ખાંચામાં જવા માટે એકમાર્ગીય પ્રવેશ રૂટ નક્કી કરાયો છે.