આંગણવાડીના મકાનોની ખોટ પુરવાનો પ્રયાસ
સરકારની જાહેર સાહસની કંપની જીએસપીસી દ્વારા રૃપિયા દોઢ કરોડનો ખર્ચ ઉઠાવીને આધુનિક મકાનો તૈયાર કરવામાં આવ્યાં
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લા પંચાયતને આધિન ૯૫૧ પૈકીની ૨૦ ટકાથી વધુ
સંખ્યાની આંગણવાડીના મકાનના પ્રશ્નો સરકારી તંત્રોની બેદરકારીના કારણે ઉકેલી શકાયા
નથી. ત્યારે સરકારની જાહેર સાહસની કંપની જીએસપીસી દ્વારા સીએસઆર ફંડમાંથી રૃપિયા
દોઢ કરોડનો ખર્ચ કરીને સ્ટીલ ફ્રેમ સ્ટ્રક્ચર ધરાવતાં આધુનિક મકાનો તૈયાર કરી
આપવામાં આવતાં જિલ્લામાં આંગણવાડીના મકાનોની ખોટ પુરવાનો પ્રયાસ થયો છે.
રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા થોડા સમય પહેલાથી
રૃપિયા ૨૦૦ કરોડના ખર્ચે રાજ્યભરમાં આંગણવાડી માટે ફેબ્રિકેટેડ મકાનો ગોઠવી દેવાની
યોજના હાથ ધરવામાં આવી છે. પરંતુ તેમાં ટ્રાન્સપોર્ટેશન, ટકાઉપણુ, ઇન્સ્ટોલેશન માટે
જમીનનો પ્રકાર સહિતના અનેકવિધ નકારાત્મક મુદ્દા હવે સામે આવવા લાગ્યાં છે. ત્યારે
ગાંધીનગર જિલ્લામાં જ ૯૫૧ પૈકીની ૧૫૩ આંગણવાડીના મકાન જર્જરિત હાલતમાં હોવાનું
સત્તાવાર જણાવવામાં આવ્યું છે. નવા મકાન બાંધવા માટેની દરખાસ્તમાં ૧૩૯ મકાન સામેલ
કરવામાં આવ્યા તેમાંથી માત્ર ૯૫ કેન્દ્ર માટે મંજુરી મળી હતી. પરંતુ તેમાં પણ ઉંચા
ભાવના ટેન્ડર આવવાના કારણે નવેસરથી પ્રક્રિયા કરવાની થઇ છે. બીજીવારના ટેન્ડર ઓછા
ભાવના આવે તેવી શક્યતા ઓછી છે અને તેમ થાય તો ગુણવત્તા સામે સવાલો ઉઠી શકે છે.
દરમિયાન ૩૯ કેન્દ્ર માટે રી સર્વે પણ કરવાનો થયો છે. દરમિયાન જીએસપીસી દ્વારા
સાએસઆર ફંડ અંતર્ગત રૃપિયા ૨૧ લાખના ખર્ચનું એક એવા સાત મકાન અનુક્રમે પાલજ, પુન્ધ્રા, ગોલથરા, ડિંગુચા, પિયજ, વેડા અને કરાઇ
ગામે નંદઘર નામથી તૈયાર કરી દેવામાં આવ્યાં છે.