– સાડા 7 કિ.મી.નો રોડ એક વર્ષથી તૂટી ગયો
– રોડ પર બેસીને ગ્રામજનોનો વિરોધથી વાહનોની લાઇનો માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દોડી આવ્યાં
આણંદ : આણંદ શહેરના ઉમરેઠ તરફ જવા માટે સિખોદરાથી સરસા સુધીનો સાડા સાત કિલો મીટરનો રોડ એક વર્ષથી તૂટી ગયો છે. વરસાદના કારણે રોડ પર ખાડા પડી જવાથી વારંવાર અકસ્માત સર્જાય છે. ૧૫ દિવસથી ૨ કિલોમીટર સુધી દૈનિક ટ્રાફિકજામની સમસ્યા ઉભી થઇ છે. જેના પગલે આજે ૭ ગામના ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું અને રોડ પર ઉતરી આવીને ચક્કાજામ કરીને તાકીદે નવો રોડ બનાવવાની માગણી કરતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.
શહેરના ચિખોદરાથી સારસા સુધીનો સાડા સાત કિલોમીટરના રોડ એક વર્ષથી તૂટી ગયો હોવાથી ગ્રામજનોએ મુખ્યમંત્રીને ૨૦૨૪માં નવો બનાવવાની માગણી કરી હતી. મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને આ રોડ નવો બનાવવાની સૂચના આપી હતી. માર્ગ અને મકાન વિભાગની બેદરકારીના કારણે આ રોડનું સમારકામ નહીં કરાતા ઓગસ્ટ મહિનામાં પડેલા ભારે વરસાદના કારણે રસ્તો સૂપર્ણપણે ધોવાઇ ગયો હતો. ડામરના પડ પણ ઉખડી જતા અસંખ્ય ખાડા રોડ પર પડી ગયા હતા. ગોધરા અને દાહોદ જવાનો મુખ્ય રોડ હોવાથી દૈનિક બે કિલોમીટર સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ છે.
ચિખોદરાથી સારસાના સાડા સાત કિલોમીટરનો રોડ નવો બનાવવાની માગણીનું નિરાકરણ નહીં આવતા આજે ખંભોળજ, સારસા, બેડવા, ચિખોદરા, વહેરાખાડી ગામના એક હજાર જેટલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રસ્તા રોકો આંદોલન કરતા ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે લોકોને સમજવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગ્રામજનો માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સ્થળ પર ન આવે ત્યાં સુધી રોડ પરથી નહીં ખસવા માટે અડગ રહ્યાં હતા. પોલીસ અને આદોલનકારીઓ વચ્ચે ભારે રકઝકના અંતે બે કલાક બાદ આણના માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક અને તેમની ટીમ દોડી આવી હતી અને સરપંચ અને ગ્રામજનો સાથે ચર્ચા કરી હતી. આણંદના નાયબ કાર્યપાલકના જણાવ્યા મુજબ, ૧૫ દિવસથી ભારે વરસાદના કારણે પેચવર્ક કરી શકાયું નથી. હવે ઉઘાડ નિકળ્યો છે. આજથી નાના ખાડા પુરવાનું કામ શરૂ કરાયું છે.આ સાડા સાત કિ.મી.ના રોડ નવો બનાવવા માટે ટેન્ડર પણ કરાયું છે અને એજન્સી નક્કી કરીને ટુંક સમયમાં રોડ નવેસરથી બનાવવાની કામગીરી શરૂ કરાશે.