ગાંધીનગર નજીક આવેલા લેકાવાડામાં
ફાયર સિસ્ટમમાં લાગેલી ૧૫૦ જેટલી પિત્તળની કપ્લીન ચોરી લેવામાં આવી ઃ ચિલોડા પોલીસની તપાસ
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા લેકેવાડાના એરફોર્સ સ્ટેશનમાં
લગાવવામાં આવેલી ફાયર સિસ્ટમમાંથી છેલ્લા ત્રણ મહિનામાં પિત્તળની કપલીનની ચોરીઓ
વધી હતી ત્યારે આજે એક સફાઈ કામદારને ચોરેલી કપલીન સાથે ઝડપી લેવામાં આવ્યો હતો
અને ત્યારબાદ અન્ય બેના પણ નામ ખૂલતા આ ત્રણેય સફાઈ કામદારો સામે ચિલોડા પોલીસમાં
ગુનો દાખલ કરાયો છે.
ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી
રહી છે ત્યારે લેકાવાડામાં આવેલા એરફોર્સ સ્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી ફાયર
સિસ્ટમમાં લગાવવામાં આવેલી પિત્તળની કપલીનની ચોરી વધી ગઈ હતી. જેના કારણે અહીં
હાજર અધિકારી જવાનો દ્વારા આ ચોરીનો ભેદ ઉકેલવા માટે દોડધામ શરૃ કરવામાં આવી હતી.
દરમ્યાનમાં આજે એરફોર્સ સ્ટેશનમાં રોજમદાર સફાઈ કામદાર તરીકે કામ કરતા છાલા ગામના
સાહીલસા ભીખુસા ફકીરને ચોરી કરતા પકડયો હતો. સાહીલસા પાસેથી ચોરી થયેલી ૧૩
પિત્તળની કપ્લીન મળી આવી હતી. જેથી તેની પૂછપરછ શરૃ કરવામાં આવતા તેણે એકલા નહીં
પરંતુ તેની સાથે સફાઈ કામદાર તરીકે કામ કરતા રાંધેજા ગામના શમરૃજી બળદેવજી વિહોલ
અને ગાંધીનગરના સેક્ટર ૧૩-એ પ્લોટ નંબર ૪૨૨/૨માં રહેતા ભરતકુમાર રમણલાલ દવે પણ
સામેલ હતા. જેથી તેમને પણ પકડી લેવામાં આવ્યા હતા. આ સંદર્ભે એરફોર્સના ઉચ્ચ અધિકારીઓને
જાણ કરવામાં આવી હતી અને તેમના દ્વારા આ સફાઈ કામદારો સામે ફરિયાદ કરવા માટે લેખિત
આદેશ કરવામાં આવતા એરફોર્સમાં જુનિયર એન્જિનિયર તરીકે કામ કરતા સાવરીયાલાલ કનુભાઈ
જાટ દ્વારા ચિલોડા પોલીસ મથકમાં ૫.૪૦ લાખ રૃપિયાની ચોરીની ફરિયાદ કરવામાં આવતા
ત્રણેયની ધરપકડ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.