– ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના દરમાં ઘટાડાની જાહેરાત થઈ જતાં
– મધર ડેરીએ પ્રોડક્ટ્સની કિંમતમાં ઘટાડાની જાહેરાત કરી : એક લિટર ઘીના ભાવમાં રૂ.30નો ઘટાડો
અમદાવાદ : દૂધ અને દૂધની બનાવટોના ઉત્પાદન અને વેચાણ સાથે સંકલાયેલી સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા અમૂલ તેના ૮૦૦ પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો કરશે. જીએસટી કાઉન્સિલે જીએસટીના દરમાં કરેલા સંપૂર્ણ ઘટાડાનો લાભ ગ્રાહકોને આપવા માટે આગામી બેથી ત્રણ દિવસમાં અમૂલ તરફથી જાહેરાત કરી દેવામાં આવશે. મધર ડેરીએ તેના ઉત્પાદનોની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી તે પછી અમૂલના ટોચના સૂત્રો સાથે થેયલી વાતચીતમાં તેમણે પ્રસ્તુત નિર્દેશ આપ્યો હતો. આમ જનતાને તેને પરિણામે ખાસ્સો લાભ પણ થશે. તેમના ખર્ચમાં ઘટાડો થશે.
અમૂલના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે જીએસટી કાઉન્સિલના નિર્ણયને સ્વીકારીને તેના ઉત્પાદનોના ભાવમાં જીએસટીના દરના ઘટાડા પ્રમાણેનો ઘટાડો કરી દેવામાં આવશે. કાયદેસર કરવાનો થતો સંપૂર્ણ ઘટાડો કરી દેવામાં આવશે. પરિણામે પનીર, ઘી, બટર, ચોકલેટ, ક્રીમ, આઈસક્રીમ સહિતના તમામ પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો થશે. ડેરીના ઉત્પાદનો પરનો જીએસટીમાં ખાસ્સો ઘટાડો કરવામાં આવ્યો છે. જીએસટીના દરમાં થયેલા ઘટાડા પ્રમાણેનો સો ટકા લાભ કિંમતના ઘટાડાના સ્વરૂપમાં અમે લોકોને પહોંચાડીશું. આગામી ત્રણેક દિવસમાં આ ઘટાડાની જાહેરાત કરવામાં આવશે.બાવીસમી સપ્ટેમ્બર પહેલા અમે આ ઘટાડાની જાહેરાત કરી દઈશું. અમૂલના પ્રોડક્ટ્સમાં દૂધ, ઘી, ચીઝ, પનીર, બટર, ફ્રેશ ક્રીમ, શ્રીખંડ, દહીં, ગુલાબ જાંબું ફ્લેવર્ડ મિલ્ક, લસ્સી સહિતના પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો થશે. આમ કુલ મળીને અમૂલના ૮૦૦ પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો થશે. અમૂલના ખાસ્સા પ્રોડક્ટ્સની પાંચ ટકાના સ્લેબમાંથી શૂન્ય ટકામાં લઈ જવામાં આવ્યા છે. તેમ જ ૧૨ કે ૧૮ ટકામાંથી પાંચ ટકામાં લઈ જવામાં આવ્યા છે.
બીજીતરફ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ-એનડીડીબીની સો ટકા સબસિડિયરી મધર ડેરીએ તેના ઉત્પાદનોની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી દીધી છે. મધર ડેરીએ કરેલી જાહેરાત મુજબ તેમના ૨૦૦ ગ્રામ પનીરના પેકેડના ભાવમાં રૂ.૩નો ઘટાડો થશે. આ જ રીતે એક લિટર ઘીના પેકેટની કિંમ રૂ. ૬૭૫થી ઘટીને રૂ. ૬૪૫ થઈ જશે. આઈસક્રીમ પરના જીએસટીના દર ૧૮ ટકાથી ઘટાડીને ૫ ટકા કરી દેવામાં આવ્યા હોવાથી મધર ડેરીની કસાટા આઈસક્રીમ, અથાણા, ટોમેટો પ્યૂરી, ફ્રોઝન ફ્રેન્ચ ફ્રાઈઝના ભાવમાં ઘટાડો થશે.