– વાતચીત સકારાત્મક રહી, છઠ્ઠા તબક્કાની વાટાઘાટો માટે તારીખ નક્કી કરાશે : બંને દેશોના પ્રતિનિધિમંડળનો મત
– કેન્દ્ર સરકાર ટ્રેડ ડીલમાં ખેડૂતો, ડેરી ઉત્પાદક અને નાના ઉદ્યોગોના હિતોનું રક્ષણ જાળવવા માટે પ્રતિબદ્ધ
નવી દિલ્હી : ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને સાત કલાક સુધી મંત્રણા ચાલી હતી. આ મંત્રણાંમાં થયેલી ચર્ચા એકદમ હકારાત્મક રહી છે. બંને દેશ એકબીજાને ફાયદાકારક હોય તે પ્રકારનું ટ્રેડ ડીલ કરવા માટે સંમત છે. આ માટે તેઓ પારસ્પરિક ધોરણે ફાયદાકરક હોય તેવો કરાર કરવા માટે સંમત થયા છે. અમેરિકા તરફથી મુખ્ય વાટાઘાટકાર બ્રેન્ડન લિંચ હતા. ભારત તરફથી રાજેશકુમાર અગ્રવાલ હતા.
અમેરિકન દૂતાવાસે જણાવ્યું હતું કે દ્વિપક્ષીય વેપાર મંત્રણાને લઈને થયેલી બેઠક હકારાત્મક રહી હતી. અમેરિકન ટીમ સોમવારેવ રાતે ભારત આવી હતી. ભારત પર ૫૦ ટકા ટેરિફ નાખ્યા પછી અમેરિકન ટીમનો આ પ્રથમ ભારતીય પ્રવાસ હતો. ભારતે તેના પર નાખવામાં આવેલા ૫૦ ટકા ટેરિફને અયોગ્ય ગણાવ્યો છે. સમજૂતીના પ્રથમ તબક્કાને ૨૦૨૫ના અંત સુધીમાં ખતમ કરવાની યોજના હતી. પાંચ તબક્કાની મંત્રણા પહેલા થઈ ચૂકી છે અને છઠ્ઠા તબક્કાની મંત્રણા ૨૫થી ૨૯ ઓગસ્ટના રોજ થવાની હતી, પરંતુ ૫૦ ટકા ટેરિફ લગાવાયા પછી તેને સ્થગિત કરવામાં આવી હતી. હવે ૧૬ સપ્ટેમ્બરના રોજ છઠ્ઠા તબક્કાની મંત્રણા પણ યોજાઈ ગઈ છે. વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે આ બેઠકમાં વેપાર સમજૂતીને વહેલામાં વહેલી તકે પૂરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. નિવેદનમાં જણાવાયું હતું કે ભારત અને અમેરિકા વચ્ચેની દ્વિપક્ષીય વેપાર સમજૂતી પર વાતચીત સકારાત્મક અને દૂરદર્શી રહી. તેમા ઘણા પાસાઓનો સમાવેશ કરવામાં આવ્યો.
વાણિજ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે બ્રેન્ડન લિંચ અને ભારતીય અધિકારીઓની વચ્ચેની બેઠક છઠ્ઠા તબક્કાની બેઠકની મંત્રણા તરીકે નહીં, પરંતુ તેના પહેલાની વાતચીત તરીકે જોવામાં આવવી જોઈએ. રશિયા પાસેથી ક્રુડ ઓઇલ ખરીદતું ભારત હંમેશા બીજા દેશોને કહેતું રહ્યું છે કે તેની ઉર્જા ખરીદી રાષ્ટ્રહિતમાં અને બજાર પરિબળો દ્વારા પ્રેરિત છે.સરકારે વારંવાર તે વત પર ભાર મૂક્યો છે કે બધી વેપાર સમજૂતીઓ તે દેશના ખેડૂતો, ડેરી ઉત્પાદકો અને એમએસએમઇ સહિતના ક્ષેત્રોમાં તેમના હિતોની રક્ષા કરશે.